મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં એક જ દિવસમાં 1500થી વધુ કેસ નોંધાયા, જે જોઈ તંત્ર સહિત મોટાભાગનાઓની આંખો પહોળી રહી ગઈ. ચૂંટણી બાદ વધેલા કોરોનાએ પોતાનો સકંજો કસવાનું ચાલુ કર્યું છે ત્યારે આવનારા સમયમાં આવી રહેલા હોળી અને ધૂળેટીના તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગવાનું છે. એક બીજા પર રંગો, પાણી, ગુલાલ વગેરે છાંટી મોજ મનાવવાનો અને હોળીકા દહન કરવાનો આ તહેવાર હવે ઉજવવા ભારે પડે તેમ છે. સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવારને લઈ કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. જેમાં હોળી પ્રગટાવવામાં મર્યાદીત લોકો વચ્ચે હોળી પ્રગટાવી શકાશે.


 

 

 

 

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, જ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ એક જ દિવસમાં 1564 કેસ નોંધાયા હતા. હાલ જોવા જઈએ તો રાજ્યમાં 6737 કેસ એક્ટિવ છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ એમ અનુક્રમે શહેરોની હાલત હાલ કોરોનાથી ભરાતી જતી જોવા મળી રહી છે. એક જ સમયમાં છ દર્દીઓના મોત થયા તે આંકડો ઘણા લાંબા સમય પછી જોવા મળ્યો છે.