પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે એવું માની છીએ કે દેશના ગરીબ અને સામાન્ય માણસને ન્યાય મળતો નથી પણ આવું માત્ર ગરીબ અને સામાન્ય માણસ સાથે થાય છે તેવું નથી, અનેક વખત કોઈ શ્રીમંત અને વગદાર હોય તો પણ તેમને નાનકડી ભુલની મોટી કિંમત ચુકવવી પડે છે, અને જ્યારે જ્યારે કોઈ શ્રીમંત અને વગદાર દંડાય ત્યારે તેમને દંડનાર અધિકારીને આપણો સમાજ હિરો બનાવી દે છે  અને શ્રીમંત અને વગદાર દંડાય ત્યારે તેના જયઘોષમાં સત્ય ધરબાઈ જાય છે અને આપણે ખરેખર શું બન્યું હતું તે જાણવાની દરકાર કરતા નથી. આવુ થવાની પાછળ આપણો શ્રીમંત અને વગદાર સામેનો ગુસ્સો કારણભૂત હોય છે, ખરેખર ગુ્સ્સો સત્ય-અસત્યની લડાઈનો હોતો નથી, પણ આપણા અનેક પ્રયત્ન છતાં આપણે શ્રીમંત અને વગદાર થઈ શકયા નથી તેની નિરાશા સાથેનો ગુસ્સો કારણભૂત હોય છે.

તેનું સૌથી તાજુ ઉદાહરણ સુરતા મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીનાનો કેસ છે, આપણી તકલીફ એવી છે કે આપણા જ મતથી ચૂંટાતો આપણો ધારાસભ્ય જ્યારે મંત્રી થઈ જાય છે ત્યારે આપણો તેમની તરફનો ભાવ અને દ્રષ્ટી બદલાઈ જાય છે, આપણને તે મંત્રી નકામો અને ભ્રષ્ટ લાગવા માંડે છે, મંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર પ્રકાશ કાનાણીની કેટલીક મર્યાદાઓ અને પ્રશ્નો હશે, પણ હું જે કિસ્સાની વાત કરૂ છું તે કિસ્સો રાતના  કર્ફ્યુના સમયમાં  સુરત પોલીસની લોકરક્ષક સુનિતા યાદવ યુવાનોને અટકાવે છે, તેમણે માસ્ક પહેર્યા ન્હોતા, આ યુવાનો મંત્રી કાનાણીના પુત્ર પ્રકાશના મિત્રો છે એટલે તેમની મદદે પ્રકાશ આવે છે અને સુનીતાનો પિત્તો છટકે છે.

કર્ફ્યુ ભંગ અને માસ્ક નહીં પહેરવાના હજારો કિસ્સા ગુજરાતમાં નોંધાયા છે, પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો હતો, તેના કરતા સુરતનો આ કિસ્સો જરા પણ અલગ ન્હોતો, લોકરક્ષક સુનિતા યાદવ પણ આ પ્રકરણને તે રીતે હેન્ડલ કરી શકી હોત, પણ તેવું થતું નથી, પકડાયેલા યુવાનો હાથ જોડી માફી માંગે છે, પણ સુનિતા તેમને ભાંડે છે, મારવાની ધમકી આપે છે, આ સમગ્ર પ્રકરણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય. જેના કારણે સુનિતાના નામની આગળ સિંઘમ શબ્દનો પ્રયોગ થયો છે. મને લાગે છે આ કોઈ સિંઘમ થવાની ઘટના નથી, સુનિતા બોલ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરી શકે તેમ હતી, પણ ઘટનામાં મંત્રીનો પુત્ર સામેલ હોવાને કારણે સુનીતાને ગુસ્સો આવે છે, સામાન્ય માણસના  મનમાં જે ચિત્ર ઊભુ થયું તેમા પ્રકાશ બદમાશ અને સુનિતા લાચાર પોલીસનું પ્રતિબીંબ હોય તેવું લાગે છે પણ આ આખુ ચિત્ર નથી.

આવી ભૂલ પોલીસ કરે છે તેવું નથી પત્રકારો પણ આવી જ ભૂલો કરતા હોય છે, કારણ પત્રકાર પણ સામાન્ય વર્ગમાંથી આવે છે. આમ તો દેશમાં લાખો અકસ્માત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે, કોઈ પણ સ્વજનનું મૃત્યુ પીડાદાયક હોય છે, આવી જ ઘટના અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ઘટી હતી, અત્યંત ધનીક ડૉકટર અમિત શાહનો પુત્ર વિસ્મય શાહ પોતાની બીએમડબ્લ્યૂ કાર લઈ અત્યંત ઝડપે નિકળે છે અને એક અકસ્માતમાં બે યુવાનો મૃત્યુ પામે છે. હીટ એન્ડ રનનો કેસ  હતો, આવી ઘટના ચલાવી લેવાય જ નહીં, પણ મીડિયા મહિનાઓ સુધી આ કેસનો પીછો કરે છે. આપણે ત્યાં અનેક એસટી બસ અને ટ્રકના અકસ્માત થાય છે પાંચ-દસ-પચ્ચીસ માણસો મરી જાય છે, પણ મીડિયા બીજા દિવસે તે ઘટનાને છોડી આગળ જાય છે.

પણ વિસ્મય શાહના કેસમાં તેવું થયું નહીં મહિનાઓ સુધી મીડિયા તે સ્ટોરીનો પીછો કરતુ રહ્યું, વિસ્મયને દંડ મળવો જોઈએ, પણ મને કાયમ થાય છે કે વિસ્મય પાસે અકસ્માત વખતે એમ્બેસેડર-ફિયાટ અથવા મારૂતીની કાર હોત તો મીડિયા આ ઘટનાને આટલી હાઈપ આપતું? મારો અભ્યાસ અને અનુભવ કહે છે, ના. વિસ્મયનો વાંક તેણે અકસ્માતમાં બે યુવાનોના જીવ લીધા તેની કરતા વધારે તેની પાસે બીએમડબ્લ્યૂ કાર હતી,  તેનો છે. પત્રકારને ગુસ્સો અકસ્માત કરતા આ અકસ્માત એક શ્રીમંત નબીરાએ કર્યો તેનો હતો. પત્રકારો જેવું જ કોર્ટ પણ માને છે કારણ ન્યાયતંત્ર પણ આખરે માણસ છે, હાઈવે અકસ્માતમાં માણસોના મોત પછી પણ બસ-ટ્રક ડ્રાઈવરને તરત જામીન આપે છે.

અકસ્માતમાં એક મરે અથવા દસ મરે તો ઈન્ડીયન પીનલ કોડ સરખી જ લાગે છે, પણ વીસ્મયના કેસમાં તે મહિનાઓ સુધી જેલમાં રહ્યો અને તેને જામીન લેવા માટે બે વર્ષ લાગ્યા હતા. આમ ઘણી વખત સામાન્ય માણસને તેના ગુનાની સામાન્ય સજા મળી જાય છે પણ અનેક વખત શ્રીમંતો અને વગદારોને તેમના સામાન્ય ગુનાઓની સજા મહિનાઓ સુધી ભોગવવી પડતી હોય છે. આવા તો અનેક કિસ્સા  છે, જેમાં  કાયદો તોડનાર શ્રીમંત હોવાને કારણે પોલીસ-પત્રકાર-કોર્ટ અને સમાજ તેમનો ન્યાય અલગ ત્રાજવે કરે છે.