રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): પ્રાધ્યાપક હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્રના તજજ્ઞ છે. તેઓ આર્થિક બાબતો અંગે સ્પષ્ટ બોલે છે. કાળાને કાળો અને ધોળાને ધોળો કહે છે. ચોરને ચોર કહે છે; જૂઠાને જૂઠ્ઠો કહે છે ! વડાપ્રધાનની આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર છે. નોટબંધી, GST, પેટ્રોલ-ડીઝલના આકાશી ભાવો, ડોલરના મુકાબલે રુપિયાનું અવમૂલ્યન, મોંધી શિક્ષણ નીતિ, અણઘડ લોકડાઉન, કિસાન સમસ્યા, ક્રોની કેપિટાલિઝમ વગેરે બાબતો અંગે તેમના વિચારો સમજવા જેવા હોય છે. તેમણે બંગલાદેશના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસની આત્મક્થા ‘Banker to the Poor’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે : ‘વંચિતોના વાણોતર’; જે વાંચવા જેવું પુસ્તક છે.

સુરત ખાતે કો. ઓપરેટીવ સોસાયટીના કમ્પાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીએ ખેડૂત મીટિંગ યોજવા જઈ રહ્યા હતા. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજાવાનો હતો. આ મીટિંગમાં હેમંત શાહ પણ જવાના હતા. જોકે પરવાનગી ન મળતાં કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી હતી. જોકે બીજી તરફ આ મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચતા કોર્ટે લોકોના વિરોધ કરવાના હક્ક પર તરાપ ન વાગે અને કોરોના મહામારીને ધ્યાને રાખીને કાર્યક્રમ યોજવા અંગે હુકમ કર્યો છે.


 

 

 

 

 

3 જાન્યુઆરી 2021 ના રોજ, સુરત ખાતે જહાંગીરપુરા જીનિંગ મિલમાં ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓની સમજ માટે સેમિનારનું આયોજન કર્યું હતું. તેમાં હેમંતકુમાર શાહ કિસાનો, સહકારી મંડળીઓ, APMC, કૃષિ ખરીદ-વેચાણ સંઘો, કોટન,દૂધ અને ખાંડ મંડળીઓ, નાના વેપારીઓને ત્રણ નવા કૃષિ કાયદાઓ કઈ રીતે ઘાતક અસર પહોંચાડનારા છે. તે અંગે માર્ગદર્શન આપવાના હતા. પરંતુ સુરત શહેર પોલીસ કમિશ્નરે કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન નહીં થાય તે કારણસર સેમિનારની મંજૂરી ન આપી ! ખેડૂત સંઘર્ષ સમિતિએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની બાંહેધરી આપી હતી; જીનિંગ મિલનું કંમ્પાઉન્ડ વિશાળ હોવાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની પણ ખાતરી આપી હતી. છતાં સેમિનાર માટે મંજૂરી ન મળી ! સત્તાપક્ષે પોલીસને ગુલામ બનાવી દીધી છે; પોલીસ કમિશ્નર કાયદા મુજબ નહીં પણ ગાંધીનગરની સૂચના મુજબ કામ કરે છે. પોલીસ સત્તાપક્ષની તરફેણમાં જ કામ કરે છે. 31 ડીસેમ્બર 2020ના રોજ સુરત શહેરના રુસ્તમપુરા વાડીમાં સત્તાપક્ષના પેજ કમિટીના હજારો સભ્યોને કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમને પોલીસ કમિશ્નરે મંજૂરી આપી હતી !

સરકારની ટીકા કરો તો સેમિનાર, સભા, ધરણા, પ્રદર્શન, રેલીને પરમિશન ન મળે; સરકારની વાહવાહી કરો તો કોઈની પરમિશન લેવાની જરુર નહીં ! સરકારને, તંત્રને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ જોખમી લાગે છે ! લોકજાગૃતિથી કોઈ પણ સરકાર ડરતી હોય છે ! કોર્ટે ખાસ નોંધ્યું છે કે, લોકોનો આ મૂળભૂત અધિકાર છે કે તેઓ ગેટ ટુ ગેધર કરી શકે, મળી શકે, મીટિંગ કરી શકે પોતાના મંતવ્ય મુકી શકે. તેના નામંજુર કરી શકાય નહીં પરંતુ કાયદાના આધીન રહી તથા કોરોના મહામારીને ધ્યાને રાખી આવું કરવું યોગ્ય રહેશે જેની તકેદારીઓ રાખવી.