મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ફિક્સ પે પરના સરકારી કર્મચારીઓ અને ગુજરાત સરકાર લાંબા સમયથી સામસામે છે. આ લડાઈમાં આજે હાઈકોર્ટે આપેલા ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો આવે તેમ છે. ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા કર્મચારીઓને રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળશે તેવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે.

મળતી માહિતી અનુસાર ફિક્સ પેના સરકારી કર્મચારીઓની સંખ્યા હજારોમાં છે જે લોકોને આ નિર્ણય સીધો અસર કરશે. જેમાં કરાર આધારિત નોકરી પર લેવાયેલા કર્મચારીને મીસ કન્ડક્ટના આરોપ પર ખાતાકીય તપાસ વગર જ નોકરીમાંથી દુર કરી દેવાતા હતા જે હવે કરી શકાશે નહીં તેવો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, કાયમી નિમણૂંક પામેલા સરકારી કર્મચારીઓ સામે જે રીતે પગલા લેવામાં આવે છે અને ખાતાકીય તપાસ કરાય છે તે રીતે જ ફિક્સ પે ધરાવતા કર્મચારીઓ માટે પણ પગલા લેવામાં આવે. માત્ર એફઆઈઆર નોંધાય કે તુરંત તેનો આધાર લઈ કોઈપણ ખાતાકીય તપાસ વગર ફિક્સ પે ધરાવતા કર્મચારીઓને હવે હાંકી કઢાશે નહીં. તપાસના રિપોર્ટ બાદ જ નિર્ણ લઈ શકાશે. તપાસ પૂર્ણ કર્યા વગર તે કર્મચારીને બરતરફ કરી શકાશે નહીં. હાઈકોર્ટનો આ ચૂકાદો ગુજરાત સરકારને એક લપડાક સમાન માનવામાં આવે છે જ્યારે ફિક્સ પગાર પરના કર્મચારીઓ માટે આ એક કાયદાકીય રક્ષણ સમાન માનવામાં આવી રહ્યો છે.