મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પ્રથમ તબ્ક્કામાં કોરોના સામે આક્રમક બનેલી ગુજરાત સરકાર લોકડાઉનના 60 દિવસ દરમિયાન મેડિકલ સુવિધાઓ ઊભી કરવામાં નિષ્ફળ જતાં ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે, તેવો ભ્રમ ઊભો કરવા માટે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાને બદલે ટેસ્ટ ઘટાડવાની શરૂઆત કરી દીધી હતી. જેની સીધી અસર હવે સામાન્ય પ્રજાને માંડીને કોરોનાની સારવાર કરતાં ઉચ્ચ તબીબો પણ બની રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોશિએશને આજે ગુરુવારે પોતાના તબીબોના ટેસ્ટ સમયસર થાય તેવી દાદ માગવા ગુજરાત હાઈકોર્ટ આવવું પડ્યું.

સરકારે ટેસ્ટ ઘટાડીને કોરોના પોઝિટિવના દર્દીઓ ઘટયા છે તેવું ચિત્ર ઊભું કરવા માટે સરકારે ટેસ્ટ કરવાનું લગભગ બંધ કરી દીધું, નહીવત સંખ્યામાં ટેસ્ટ ચાલુ રાખ્યા જ્યારે જેમની પાસે પૈસા છે, તેવા દર્દીઓ પૈસા ખર્ચી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હતા તેના પર પણ આડકતરા નિયંત્રણો લાવી કેસની સંખ્યા ઘટાડી દીધી છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતાં તબીબો અને નર્સિંગ સ્ટાફ પર સરકરાની આ વ્યૂહ રચનાની વિરુદ્ધ અસર થઈ જે ડોક્ટર અને નર્સમાં કોરોનાની અસર દેખાતી હતી, તેમના પણ ટેસ્ટ થતાં ન હતા અને પોઝિટિવ દર્દીનું તત્કાલ નિદાન થાય તે જરુરી હોવા છતાં જેમના ટેસ્ટ થયા છે તેમના રિપોર્ટ ત્રણ ચાર દિવસે આવતા હતા. આ ઉપરાંત જે દર્દીની સર્જરી કરવાની છે તેવા દર્દીનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી હોવા છતાં તેમના રિપોર્ટમાં પણ વિલંબ થતો હતો.

આમ સરકારી આંકડાની પોલ અમદાવાદ મેડીકલ એસોશિએશને ખોલી નાખી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવા આવવું પડ્યું કે, તબીબોના ટેસ્ટ થતાં નથી, જે તબીબો પોઝિટિવ થયા છે તેમના ટેસ્ટ સમયસર થયા હોત તો તેમને જલદી સારવાર મળી હોત. ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુનાવણી હવે શુક્રવાર પર રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ભૂમિકાને લઈને વિવિધ અખબારના સમાચારને ધ્યાનમાં રાખી ખુદ જસ્ટીસ જે બી પારડીવાલાએ એક સુઓમોટો પીટીશન દાખલ કરી છે જે પણ હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ સમાચાર માધ્યમોએ ટેસ્ટ ઘટી રહ્યા છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરતાં ભાજપ આઈટી સેલ એ મીડિયા વેચાઈ ગયું છે તેવો આરોપ પણ મુક્યો હતો પણ હવે અમદાવાદ મેડિકલ એસોશિએશન જ્યારે આ મામલે બહાર આવ્યું છે ત્યારે આઈટી સેલ તબીબો પણ વેચાઈ ગયા છે તેવો આરોપ ન મુકે તો સારું.