મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી:  હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશ્યિલ ડિસ્ટન્સિંગ છે. અને આની સમજ જયારે લોકોમાં હોય તો જ કોરોનાને પોતાના ગામમાં કે ઘરમાં પ્રવેશી શકે નહિ, આવી સીધી સાધી સરળ ભાષામાં ગામલોકોને સમજવાનું કામ ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વર્કર સંજયભાઇ બારોટ કરી રહ્યા છે. આરોગ્ય કર્મીએ પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવવામાં અને કપરી સ્થિતિમાં શ્રમિક પરિવાર પાસે ફૂટી કોડી પણ ન હોવાની જાણ થતા ખિસ્સામાં રહેલા રૂપિયા ધરી દીધા હતા. શ્રમિક પરિવારનો ૪ વર્ષીય દીકરો સમયસર સારવાર મળતા નવજીવન મળતા શ્રમિક પરિવારે આરોગ્ય કર્મચારીને ફોન કરી “સાહેબ મારી દીકરી તો મરી ગઈ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો” આભાર વ્યક્ત કર્યો હતો. 

શામળાજી નજીક પરપ્રાંતીય શ્રમિક પરિવારની દીકરીનું મોત નિપજતા આ ઘટનાની જાણ સંજય ભાઈને થતા તાબડતોડ શ્રમિક પરિવાર પાસે પહોંચી દીકરીનું મોત ઓરી નામની બીમારી થી થયાનું જણાતા અને શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને પણ ગંભીર ઓરીની અસર જણાતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તાત્કાલિક હિંમતનગર ખસેડવાની જરૂર પડતા પૈસાના અભાવે શ્રમિક પરિવાર નિસહાય જણાતા આરોગ્ય કર્મીએ ખિસ્સામાંથી રૂપિયા કાઢી આપી. તુરંત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાતા ૪ વર્ષીય બાળકનો સઘન સારવાર બાદ આરામ થતા શ્રમિક પરિવાર માટે સંજય બારોટ નામનો કર્મચારી સંજીવની બુટ્ટી સમાન સાબિત થયો હતો. 

આ અંગે કોરોનાના કપરા કાળમાં કાળજુ કંપાવી દે તેવી વાત કરતા સંજયભાઇ કહે છે કે, શામળાજી નજીક અન્ય રાજયમાંથી ખોદકામની છૂટક મજૂરી કરવા આવેલા એક પરીવારને નાની દિકરી અચાનક જ મોતને ભેટી, મને ખબર પડતા હું ધટના સ્થળે પંહોચ્યો  હતો. દિકરીને ઓરીની અસરથી ગંભીર બિમારીની ભોગ બની હતી. તો તેની સાથે રહેતા ચાર વર્ષના નાના ભૂલકાને પણ ચેપ લાગ્યો હતો તો પળનોય વિલંબ કર્યા વિના ૧૦૮ મારફતે ભિલોડા સારવાર અર્થે લવાયા જયાં સ્થિતિ ગંભીર જણાતા હિંમતનગર રીફર  કરવાની નોબત આવી તો ત્યાં લઇ જવાના પૈસા ન હતા તો પોતાના ખિસ્સાના પૈસા આપી તેમને મોકલી આપ્યા, ત્યારે બે દિવસ બાદ નાના ભૂલકાના પિતાનો ફોન આવ્યો કે સાહેબ મારી દિકરી તો મે ખોઇ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો તેની ખુશીના બે શબ્દો મારા માટે જીવનના શ્રેષ્ઠતાનું પુણ્ય કમાયા સમાન હતું.