મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાતમાં કોરોનાની સ્થિતિને પગલે સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલાક કડાવા વચનો પણ કહ્યા હતા જે લોક હિત માટે સારા પણ તંત્રના અમુક બાબુઓના કાનમાં દુઃખાવો કરી દેનારા હતા. અરજીમાં ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગ અંગે પણ રજૂઆત કરાઈ હતી. કોર્ટે એડવોકેટ એશોશિએશન પાસે માગેલા સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને હોસ્પિટલ્સમાં લાગતી આગની દૂર્ઘટનાઓ અંગે હાઈકોર્ટમાં નારાજગીનો માહોલ જોવાયો હતો. આવા બનાવો એક દુઃખદ ઘટના છે, ફાયર એનઓસી મામલે તેમણે આગામી અઠવાડિયે સુનાવણી કરવાનું નિશ્ચિત કર્યું હતું.

એડવોકેટ એસો.એ કહ્યું હતું કે, કોરોનામાં રાજ્યમાં તાલુકા કક્ષાએ સ્થિતિ ખરાબ છે. સાયલામાં ઓક્સિજન અને આઈસીયુ બેડ ધરાવતી હોસ્પિટલ પણ નથી. આરટીપીસીઆર રિપોર્ટ માટે પણ ત્રણથી ચાર દિવસ રાહ જોવાની થાય છે. સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તગલખી નિર્ણય કલેક્ટરે કર્યો છે. 1190 મેટ્રીક ટનની સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો આપે છે. ધન્વંતરી હોસ્પિટલમાં પણ માળખાનો અભાવ છે. દર્દીઓની સારસંભાળ રાખનારું નથી. વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ અપાય છે. આરટીપીસીઆર ટેસ્ટ 23 એપ્રીલથી 1.89 લાખના ઘટીને 1.38 લાખ થયા છે. આંકડા ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. 

હાઈકોર્ટે આવા ઘણા તથ્યો પર હાઈકોર્ટે વિચારણા કરી છે. કોર્ટે આકરા થતાં અમદાવાદ મહાનગર પાલીકાનો ઉધડો લઈ નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે, અન્ય કોર્પોરેશન રિયલ ટાઈમ હોસ્પિટલ ડેટા આપે છે, તમે કેમ નહીં? અમદાવાદ મનપા શું છુપાવવાનો પ્રયાસ કરે છે?