મેરાન્યૂઝ નેટવર્ક.ડાકોરઃ ગુજરાતી નાટકો, ટીવી સિરયલ્સ, જાહેરાતો વગેરે પ્લેટફોર્મ્સ પર પોતાના કામથી પોતાના નામને ગુંજવી દેનારા અને ભારે અવાજ સાથે સારો અભિનય કરી જાણનારા હસમુખ ભાવસાર હવે આપણા વચ્ચે નથી રહ્યા. હાસ્ય હોય, દુઃખ હોય, આક્રમકતા હોય કે પછી કોઈ પણ પ્રકારની લાગણીઓ પોતાની આંખો અને ચહેરાના હાવભાવથી તુરંત જ વ્યક્ત કરવામાં માહેર હસમુખ ભાવસારનું નિધન થયું છે.

હસમુખ ભાવસારની કારકિર્દી યુથ ફેસ્ટિવલથી શરૂ થઈ હતી. તેમાં હસમુખ ભાવસાર અને હર્ષદ શુક્લના નામનો ડંકો વાગતો . ત્યારબાદ તેણે "એક મૂરખને એવી ટેવ" નાટકમાં નરભેરામની ભૂમિકા દ્વારા પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું .જીતેન્દ્ર ઠક્કરના ગ્રુપમાં શરૂઆતમાં તેણે હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, દીપ્તિ જોશી, હરીશ વૈદ્ય સાથે ઘણા બધા નાટકો કર્યા. ત્યારબાદ દિનેશ શુક્લના યંગ, પ્રફુલ ભાવસાર , ચારુ બેન પટેલ, અરવિંદ વૈદ્ય જેવા અનેક નિર્માતા-દિગ્દર્શકો ના સફળ નાટકોમાં સફળ ભૂમિકા ભજવી. પ્રફુલ ભાવસાર સાથે " ઝરૂખો" જેવી સિરિયલોમાં તેમના નામનો ડંકો વાગતો. દૂરદર્શનની "એક ડાળના પંખી" સીરીયલમાં હસમુખ ભાવસારનું નામ ઘેર ઘેર ગુંજતું થયું. ત્યારબાદ દૂરદર્શનની "મામાનું ઘર કેટલે" માં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં હસમુખ ભાવસાર એક જાણિતો ચહેરો બની ગયો હતો. તેના બુલંદ અવાજના કારણે એ ગુજરાતી ફિલ્મોનો અમિતાભ ગણાતો. ગુજરાતી ફિલ્મોમાં એની શરૂઆત થઈ નામાંકિત કલાકાર અરવિંદ પંડયાના બદલે અડધી ફિલ્મ હસમુખ ભાવસાર કરી હતી. અરવિંદ પંડયાના અવસાન બાદ અરવિંદ પંડયા સાથે હસમુખ ભાવસારનો ચહેરો મળતો આવતો હોઇ, બાકીની ભૂમિકા હસમુખ ભાવસારએ હૂબહૂ ભજવી હતી. સી એમ પટેલની સિરિયલો અને અને એડ ફિલ્મ્સ તેણે કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર.આવો ઉમદા કલાકાર ડાકોર દર્શને ગયા હતા અને ત્યાં જ પ્રભુના ધામમાં અચાનક  હૃદય રોગનો હુમલો થવાના કારણે અવસાન પામ્યો છે.