મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: એક તરફ જ્યાં લોકસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષો રોજગારી આપવાની વાતો કરી રહી છે ત્યાં બીજી તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓનું મતદાન પૂર્ણ  થતાં જ વિવિધ કોલેજમાં ફરજ બજાવતા 15 જેટલા કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકોને ગુજરાત સરકારે છૂટા કરી દીધા છે. જેઓને છૂટા કરાયા છે તેમાં 4 વર્ષથી લઇને 10 વર્ષ સુધી આ પોસ્ટ પર ફરજ બજાવતા હતા. તેથી હવે તેમના માટે આ ઉંમરે રોજગારી મેળવવાનો પ્રશ્ન ઉભો થયો છે.

નોકરીમાંથી અચાનક જ છૂટા કરી દેવાતા 15 જેટલા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજોમાં ફરજ બજાવતા કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકો આજે ગાંધીનગર સ્થિત ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને રજૂઆત કરવા આવ્યા હતા.  વ્યાખ્યાતાઓએ આવેદનમાં કહ્યું હતું કે, હિન્દી અને એકાઉન્ટસી વિષયમાં ફરજ બજાવતા વિવિધ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકોને તારીખ 25/04/2019 ગુરુવારના રોજ કોલેજ સમય બાદ અચાનક ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ વિવિધ કોલેજોમાં વર્કલોડ અને મહેકમ મુજબ હિન્દી અને એકાઉન્ટસીની જગ્યાઓ ખાલી છે. જેથી અમને ફરી નિમણૂક આપવી જોઈએ. કારણ કે ફરજમુક્ત કરાયેલ વ્યાખ્યાતાઓ 4 વર્ષથી લઇને 10 વર્ષ સુધી આ ફરજ પર હતા. તેમને અચાનક છૂટા કરતા હવે આ ઉંમરે બીજી નોકરી શોધવી મુશ્કેલ બનતા પરિવારના ભરણપોષણની સમસ્યાનો સામનો કરવો પડશે.

આ મામલે છૂટા કરાયેલ વ્યાખ્યાતા સહાયક હરિભાઇ મકવાણાએ  મેરાન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ગત 23 એપ્રિલના રોજ અમને બધાને લોકસભા ચૂંટણીઓમાં વિવિધ મતદાન મથકો પર સરકારી કામગીરી કરાવવામાં આવી અને ત્યાર બાદ અમને છૂટા કરી દેવામાં આવ્યા. સરકારની આ નીતિ સામે અમારો વિરોધ છે અને જો અમારી માગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.