મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત સરકાર પાસે રહેલા હેલિકોપ્ટર અને વિમાનમાં છેલ્લાં ૧૫ વર્ષથી વારંવાર સર્જાતિ ટેકનિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, ગવર્નર અને અન્ય મંત્રીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવશે.

રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૬થી નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ પહેલા ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના કારણે વિવાદ ન થાય તે માટે ખરીદી પડતી મૂકાઈ હતી. આ પહેલા એરક્રાફ્ટ ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર મગાવાયા હતા પરંતુ પછી કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકારે હવે નવા એરક્રાફ્ટના ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બંને એરક્રાફ્ટ ખરીદવા માટે આ અઠવાડિયે જ જરૂરી મંજૂરી મળી ગઈ છે. 

રાજ્ય સરકારે બે નવા એરક્રાફ્ટ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે ૨૫૦ કરોડ રૂપિયા ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટના અને ૭૦થી ૮૦ કરોડ હેલિકોપ્ટર માટે છે. હેલિકોપ્ટર માટે પાછલા વર્ષે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ ખરીદી કરાઈ નહોતી. હવે બંને માટે ટૂંક સમયમાં ગ્લોબલ ટેન્ડર્સ મંગાવાશે. નવું ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ ૧૨ સીટર હશે અને તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૂચવેલા ખાસ સિકયોરિટી ફીચર્સ હશે.

રાજ્ય પાસે હાલમાં રહેલું ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ ૧૯૯૯માં અને હેલિકોપ્ટર ૨૦૦૭માં ખરીદાયેલું છે. આ બંનેમાં ટેકનિકલ ખામી અને મેઈન્ટેન્સ માટે વાર્ષિક રૂપિયા ૫ કરોડનો ખર્ચ થાય છે આ ઉપરાંત મોટાભાગના સમયે તેમાં ટેકનિકલ ખામીના કારણે રિપેર કરવામાં લાંબો સમય લાગી રહયો છે. આથી ઘણીવાર  મુખ્ય મંત્રી માટે પ્રાઈવેટ પ્લેન ભાડે લઈને ઉપયોગ કરવામાં આવતા ઘણો જ વધારે ખર્ચ આવી રહયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને બે વખત ઈમરજન્સી લેન્ડીંગ કરવા પડ્યું હતું. ત્યારથી મુખ્યમંત્રીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મોટેભાગે પ્રાઈવેટ હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરાય છે.