મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક ઉપર હાલ કોઈ પ્રતિબંધ મુકવામાં નહિ આવે, પરંતુ પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવશે. જ્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસથી એક લીટરની પેટ પ્લાસ્ટીકની ખાલી બોટલને રીસાયકલ વેન્ડિંગ મશીન (આરવીએમ )માં નાખી ગરીબોને પ્રતિ બોટલ એક રૂપિયા પ્રમાણે રોજગારી આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે બીટ ધ પ્લાસ્ટિક થીમ ઉપર યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૪૦ માઈક્રોનથી ઓછી જાડાઈનું પ્લાસ્ટિક જોખમી હોવાનું જણાવી તેનો ઉપયોગ નિયંત્રિત કરવાનું જણાવ્યું હતું. પરંતુ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો અત્યારે ઇન્કાર કરતા તેમણે જણાવ્યું હતું કે, પાણી અને ઠંડા પીણાં વગેરેની પ્લાસ્ટિક બોટલોનો રીસાયકલીંગ દ્વારા ઇંધણ તેમજ ટેબલ-ખુરશી, રોડ વગેરે બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં ૨૫ હજાર રીસાયકલીંગ મશીન મુકવામાં આવશે. જેમાં અત્યારે એક લીટરની પ્લાસ્ટિક બોટલના ૩૦ પૈસા અને તેનાથી નાની બોટલના ૧૫-૨૦ પૈસા આપવામાં આવે છે તેના બદલે મોટી બોટલનો એક રૂપિયો આપવામાં આવશે. તેમાં રાજ્ય સરકાર અને આ એજન્સીના ઉપક્રમે આ પૈસા ચુકવવામાં આવશે. આ અભિયાનના કારણે પ્લાસ્ટિકનો કચરો દુર થવા સાથે સ્વચ્છતા જળવાશે અને રોજની હજારો બોટલો વીણીને પેટીયું રળતા ગરીબોને રોજગારી મળશે.

આ પ્રસંગે ૧૧ જુન સુધી રાજ્યના ૪૦૦ શહેરો સહીત તેના ૨ કીલોમીટરના પેરીફેરી વિસ્તારમાંથી પ્લાસ્ટીકનો કચરો ઉપાડવાનું અભિયાન હાથ ધરવાની તેમણે જાહેરાત કરી હતી. આ અભિયાનથી ગુજરાતને કચરા મુક્ત કરી ચોમાસામાં વરસાદી પાણીમાં ભળતો કચરો અટકાવવો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ ગામોના તળાવો શુદ્ધિકરણની રાજ્યવ્યાપી સ્પર્ધા યોજીને જે ગામો તળાવની  શુદ્ધતામાં અગ્રેસર રહેશે તે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતોને પુરસ્કાર અને વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. તેમણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ધ્વારા ઔદ્યોગીક એકમો, ફેકટરીઓ તેમજ અન્ય કંપનીઓ સાથે બેઠક કરી પ્રદુષણ અટકાવવાના નિયમોનો ચુસ્ત પાલન કરવા જણાવશે. આમછતાં તેનો ભંગ કરનારને ક્લોઝર નોટીસ આપવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ, ઉત્પાદન પર નિયમન અંગે ઉત્પાદકો સાથે પરામર્શ કરી યોગ્ય નિર્ણયો કરવા કહ્યું હતું.