મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ એક અંશે કાબુમાં કહી શકાય તેમ છે પરંતુ નવા ઓમિક્રોન વેરિએંટે સહુની ઉંઘ હરામ કરીને મુકી છે. દેશ દુનિયામાં વિવિધ તબક્કા પર પ્રતિબંધો આવી રહ્યા છે. હાલમાં જ ગુજરાતમાં સરકાર દ્વારા મુકવામાં આવેલા કરફ્યૂનો સમય પુરો થઈ રહ્યો હતો ત્યારે આગામી સમયમાં કરફ્યૂ રહેશે કે કેમ તેની સરકારે જાહેરાત કરી છે. સરકારની જાહેરાત પ્રમાણે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાત સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલા રાત્રી કરફ્યૂની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. જેથી આગામી સમયમાં કરફ્યૂ કઈ રીતે રહેશે અને સંક્રમણને વધુ ન ફેલાય તે માટે સરકારે નક્કી કરેલા ધારાધોરણો કેવા રહેશે તે અંગેની જાહેરાત મુજબ, ગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

Advertisement


 

 

 

 

 

આ સમય દરમિયાન મહાનગર પાલિકા ક્ષેત્રમાં રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રાખી શકાશે. જોકે બીજી બાજુ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે તેથી સરકારે લગ્ન સમારંભોમાં પણ કયા નિયમોને ધ્યાને લેવાના રહેશે તેની પણ જાહેરાત કરી છે. સરકાર દ્વારા 400 વ્યક્તિને લગ્ન પ્રસંગોમાં છૂટ આપવામાં આવી છે. ખાસ કરીને સરકારી લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.

હાલમાં જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ધ્યાને રાખવો સરકાર માટે તેટલો જ જરૂરી હતો જેટલો ગુજરાતની ઈકોનોમીને વેગવંતુ બનાવવું. 13 ડિસેમ્બરથી કમુરતા શરૂ થવાના છે ત્યાં સુધી લગ્નગાળો રહેશે તે પણ સ્વાભાવીક રીતે ધ્યાને લેવા જેવું હતું. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે આ મામલે થોડા વખત પહેલા બેઠક પણ થઈ હતી અને તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી રાત્રી કરફ્યૂ મહાનગરોમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.