પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): લાંબા સમયથી ગુજરાતના આઈપીએસઓની ફેરબદલીના ભણકારા વાગી રહ્યા છે જેને હવે આખરી રૂપ આપી દેવામાં આવ્યુ છે જો કે તેમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં ઘટી રહેલા ગંભીર ગુનાઓને નિયંત્રણમાં લેવા તેમજ ગંભીર પ્રકારના ગુના ડીટેકશન માટે તામીલનાડુ-ઉત્તરપ્રદેશ જેવા રાજયોની જેમ સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરશે જેના વડા તરીકે હાલમાં એટીએસમાં ફરજ બજાવી રહેલા ડીઆઈડી હિમાંશુ શુકલને મુકવાનું નિશ્ચીત માનવમાં આવી રહ્યુ છે. હિમાંશુ શુકલ આ ટાસ્ક ફોર્સ માટે પોતાની ટીમ પણ પસંદ કરશે અને એસટીએફ અને ગુજરાત એટીએસ સંયુકત રીતે કામ કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે હાલના તબ્બકે એસટીએફની કચેરી અને એટીએસની કચેરી સાથેે રહેેશે  તેવુ નક્કી કરવામાં આવ્યુ છે.

2005 બેંચના આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલની પોતાની ઈચ્છા કેન્દ્ર સરકારમાં રીસર્ચ એન્ડ એનાલીસીસ વીંગમાં કામ કરવાની હતી તે માટે ડેપ્યુટેશન ઉપર જવા માટે ગુજરાત સરકાર મારફતે દરખાસ્ત પણ મોકલી હતી જેમાં તેમની પસંદગી પણ થઈ હતી, જો કે ગુજરાત સરકારે પહેલા થોડી રાહ જુવો કહી હિમાંશુ શુકલને રોકી રાખ્યા હતા, બાદ ગુજરાતમાં તેમની વધુ જરૂરીયાત છે તેવુ કારણ આપી તેમને કેન્દ્રમાં મોકલવાનો ઈન્કાર કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના એસપી અને હવે ડીઆઈજી જેવી મહત્વની કામગીરી બજાવી ચુકેલા હિમાંશુ શુકલને એક નવી જવાબદારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં ગુજરાત એટીએસ માટે કામનું માળખુ છે તેમાં એટીએસ ત્રાસવાદ- દેશવિરોધી પ્રવૃત્તી અને નકલી ચલણ અને ડ્રગ જેવા મહત્વના વિષયો ઉપર જ કામ કરી શકે છે પરંતુ રાજયના અન્ય ગંભીર ગુનાઓ ઉપર તે કામ કરી શકતા નથી કારણ અન્ય ગુના તેમના  સોંપવામાં આવેલા માળખામાં આવતા નથી આથી અન્ય રાજયની જેમ સ્પેશીયલ ટાસ્ક ફોર્સ બનાવી તેના વડા  તરીકે હિમાંશુ શુકલને મુકવાનો નિર્ણય લેવાઈ ચુકયો છે જેનો આદેશ એક ખાસ નોટીફીકેશન સાથે આગામી દિવસમાં થનાર આઈપીએસ અધિકારીઓની બદલી સાથે બહાર પાડવામાં આવશે, આ ઉપરાંત આઈપીસ અધિકારીઓની બદલી થશે તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર દિપેન ભદ્રનની કામગીરી ધ્યાનમાં લેતા તેમને વધુ જવાબદારી સોંપવામાં આવશે જેના ભાગ રૂપે તેમને એટીએસના એસપી તરીકે મુકવામાં આવે તેવી સંભાવના છે. જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી તરીકે ફરજ બજાવી ચુકેલા ગાંધીનગરના એસપી મયુર ચાવડા અને સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા વિરેન્દ્ર યાદવ ડીસીપી ક્રાઈમ બને તેવી સંભાવના છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં છ આઈપીએસ નિવૃત્ત થયા તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જે કે ભટ્ટની નિવૃત્તી પછી આ જગ્યા ખાલી છે, જેમાં ત્રણ નામોની આગળ ચાલી રહ્યા છે જેમાં મનોજ શશીધરન,  અજય તોમર અને અભય ચુડાસમા છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર બાદ અત્યંત મહત્વની આ જગ્યા માનવમાં આવે છે તેથી સરકાર પોતાને ભરોસો પડે તેવા અધિકારીને આ જગ્યા ઉપર નિયુકતી આપશે જયારે અમદાવાદ પોલીસ કમિશનર એ  કે  સિંઘનો પણ અમદાવાદમાં લાંબો સમય થઈ ગયો છે તેમની બદલી થાય તો તેમના સ્થાન માટે અજય તોમર અને મનોજ શીશધરનની સંભાવના જોવામાં આવી રહી છે. જયારે ગુજરાત સરકારના ટ્રબલ શુટર રહેલા  રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને એડીશનલ ડીજીપી તરીકે બઢતી  આપી સુરતના પોલીસ કમિશનર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવશે સતીષ શર્મા નિવૃત્ત થવાને કારણે સુરત કમિશનરનું પદ ખાલી  છે.

આમ આ બદલીઓના દૌરમાં અનેક રેંજ આઈજીપીની બદલીઓ થશે જેમાં લાંબો સમયથી બ્રાન્ચમાં રહેલા અધિકારીઓ ફિલ્ડમાં આવશે, અને ફિલ્ડમાં રહેલા અધિકારીઓ બ્રાન્ચમાં જશે .