મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ/ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષે જબરજસ્ત તાપ પડ્યો છે. ત્યારે અહીં વરસાદની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. પરંતુ વરસાદ તો પોતાની સાથે વાવાઝોડું લઈને આવી રહ્યો છે. ગરમીની મુસીબતથી બચવા માાગતા સૌરાષ્ટ્રવાસીઓ પર હવે વાવાઝોડાની મુસીબત મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર પર 'વાયુ' વાવાઝોડાનો ખતરો સર્જાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશન બની ચૂક્યુ છે. અને વાવાઝોડા સ્વરૂપે આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. 

ભારતીય હવામાન વિભાગે આ ડિપ્રેશનને 'વાયુ' નામ આપ્યું છે. વાયુ વાવાઝોડું સૌરાષ્ટરના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં સલામતી માટે પગલાં લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકારે સંબંધિત વિભાગોને એલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 300 કિલોમીટર દૂર છે. આ જ ઝડપે આગળ વધે તો તે બે દિવસ બાદ એટલે કે 12 જૂને રોજ સોરાષ્ટ્રના દરિયકાંઠે ટકરાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, સોમનાથ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં નલિયાની આસપાસ પણ વરસાદ ખાબકી શકે છે. ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાની અસરને કારણે 11 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડશે. જેને પગલે રાજ્યના તમામ બંદરો પર એલર્ટ જાહેર કરી દેવાયું છે. અને જામનગર, પોરબંદર, ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આર્મી, કોસ્ટગાર્ડ, NDRFને સ્ટેન્ડટૂ રહેવાના આદેશો છે.

આ સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

જ્યાં સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સધન આયોજન હાથ ધર્યું છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નૂકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા સુચના અપાઇ છે. જરૂર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.