મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ લોકડાઉન બાદ ઊભી થયેલી સ્થિતિને કારણે તેમજ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે શાળાઓ બંધ રાખી ઓનલાઈ શિક્ષણ આપવાનો સરકારે શાળાઓને આદેશ આપ્યો હતો. બીજી તરફ શાળા બંધ હોવા છતાં શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવે છે તેવી રજૂઆતને પગલે સરકરે એક પરિપત્ર કરીને શાળા ન ખુલે ત્યાં સુધી ફી નહીં ભરવાનો આદેશ આપ્યો હતો. સરકારના આ હુકમનો સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની આજે સુનાવણી નીકળતા હાઈકોર્ટે ફી નહીં લેવાના સરકારના આદેશને રદ્દ કર્યો છે.

ગુજરાત સરકારના હુકમને પડકારતી પીટીશનની સુનાવણી આજે શુક્રવારે હાઈકોર્ટમાં થતાં સંચાલકો દ્વારા સરકારના હુકમ સામે એવી દલીલ કરવામાં આવી હતી કે, જો ફી ઉઘરાવવામાં ન આવે તો શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શાળાના શૈક્ષણિક અને બીનશૈક્ષણિક સ્ટાફને પગાર કેવી રીતે ચુકવવો તે મોટો મુદ્દો છે. શાળા બંધ હોવાને કારણે ટ્યૂશન ફી સિવાયની અનેક ફીમાં સંચાલકોએ ઘટાડો કર્યો હોવા છતાં સરકારે સંપૂર્ણ ફી રદ્દ કરી છે જે નિર્ણય અયોગ્ય છે. બંને પક્ષોની રજૂઆત પછી હાઈકોર્ટે સરકારનો ફી ન ઉઘરાવવાનો આદેશ રદ્દ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના આ આદેશ પછી વાલીઓ માટે હવે ફી ભરવી ફરજિયાત છે પરંતુ આ મુદ્દે શાળા સંચાલક અને ગુજરાત સરકારના અધિકારીઓ બેઠક કરી સંયુક્ત રીતે નિર્ણય લેવાના છે કે, શાળાનું સંચાલન પણ ચાલી શકે અને વાલીઓને ફીનો બોજો પણ ન લાગે તેવી કઈ રાહતો આપી શકાય અને કેટલા ટકા ફી લેવી જોઈએ. તેનો નિર્ણય કરવામાં આવશે.