મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજયના લાખ્ખો યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરનાર ભાજપ સરકાર દ્વારા ૧૪ જિલ્લાઓમાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જ્યારે સમગ્ર રાજ્યમાં માત્ર ૨૨૩૦ને મળેલી સરકારી નોકરીઓમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં ૩૨૯, બનાસકાંઠામાં ૨૬૮ અને મહેસાણામાં ૨૪૫ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં આજે વિવિધ જિલ્લાઓમાં બેરોજગારી અને તેમને અપાયેલી સરકારી તેમજ ખાનગી નોકરી અંગે વિગતો આપવામાં આવી છે. જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૪,૫૮,૦૯૬ બેરોજગારો નોંધાયા છે. તેમાં ૪, ૩૪, ૬૬૩ શિક્ષિત અને ૨૩૪૩૩ અર્ધશિક્ષિત બેરોજગારો છે. તેમાંથી ૨૨૩૦ને સરકારી નોકરી અને ૭,૩૨,૧૩૯ ને ખાનગી નોકરી આપવામાં આવી છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના ૧૪ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ગ્રાઉન્ડ જિલ્લા રાજકોટ ઉપરાંત ડાંગ, જુનાગઢ, ખેડા, મહિસાગર, મોરબી, વડોદરા, જામનગર, નર્મદા, ભરૂચ, તાપી, દાહોદ અને ખોબલે ખોબલે મત આપનાર નવસારી તેમજ સુરતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા સૌથી વધારે ૧,૦૧,૬૪૨, ભરૂચમાં ૭૧૦૮૬ અને વડોદરામાં ૫૯૧૧૬ નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજયમાં નોંધાયેલાં બેરોજગારો તેમજ આપવામાં આવેલી સરકારી નોકરી અને ખાનગી નોકરીની વિગતો નીચે જણાવ્યા પ્રમાણે છે.