પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અત્યારે સમગ્ર ગુજરાત એક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, એક તરફ કોરોનાની તાકાત ઘટવાને બદલે વધી રહી છે બીજી તરફ રાજયના અધિકારીઓ એકબીજાના પગ ખેચવામાં અને બીજાને નીચો દેખાડવાની હોડમાં આવી ગયા છે. આ લડાઈ આપણી સામુહીક હાર છે તેવું માનવાને બદલે દરેક પોતાની લડાઈ પોતાની રીતે લડી રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર પછી કોરાનાના દર્દીઓની સંખ્યામાં ગુજરાત આવે છે. જે સ્થિતિ નિર્માણ થઈ છે તેના માટે રાજ્ય અથવા રાજ્યના કોઈ અધિકારીને દોષિત ઠેરવી શકાય નહીં, આ સ્થિતિમાં પડકાર ઝિલવો એક માત્ર માર્ગ છે પણ કેન્દ્રના સતત દબાણમાં હવે ગુજરાત સરકારે ટેસ્ટીંગ ઘટાડી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવો ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. આ એંધાણ ખરાબ છે, તા 18મી પછી લોકડાઉનમાં રાહત મળે તો પણ હવે લોકોએ પોતાની ચિંતા જાતે જ કરવી પડશે. કારણ કે રાજય તમારી સંભાળ લઈ શકે તેવી સ્થિતિમાં નથી.

કોરોનાની લડાઈ માત્ર સરકારની નથી તે વાત સંપૂર્ણ સાચી છે. આ લડાઈમાં પ્રજાની હિસ્સેદારી પણ એટલી જ જરૂરી છે, પણ સરકાર તરીકે એક વિશેષ જવાબદારી છે કે, સરકાર પોતાના ઉપલ્બધ સાધનો અને શકિતનો ઉપયોગ માણસના જીવને બચાવવા માટે ઉત્તમ પ્રયાસ કરે. આપણે લોકડાઉન એટલા માટે નાખ્યું કે લોકડાઉનના સમયગાળામાં જરૂરી તબીબી સેવાઓ આપણે ઉભી કરી શકીએ કે જ્યારે લોકડાઉન ખુલે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે ત્યારે આપણી પાસે એટલી હોસ્પિટલ્સ, દવાઓ, વેન્ટીલેટર સહિત બધુ જ હોય પણ તેવું કંઈ જ ગુજરાત સરકાર કરી શકી નહીં, તેના બદલે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ભરાઈ ગઈ, અમુક સ્થાનોમાં પણ કહેવાતી વ્યવસ્થાઓ છે જે પછી હવે આપણી પાસે વ્યવસ્થાના નામે મોટા મીંડા સિવાય કંઈ નથી.

કોરાના દર્દીઓની સંખ્યા ઘટાડવાનું કામ સરકારનું નથી, ખુદ પ્રજાએ સંક્રમણનો ભોગ બને નહીં તેની તકેદારી રાખવી પડશે, પણ આપણી ગીચ વસ્તી અને જાગૃતતાના અભાવે સંક્રમણ થઈ રહ્યું છે જેઓ સંક્રમીત થઈ ચુકયા છે, તેમને શોધી તેમને આઈસોલેટ કરવાનું કામ તંત્રનું છે, પણ તેના માટે પોઝિટિવ દર્દીઓને શોધવાનું કામ મહિનાઓ સુધી ચાલુ રાખવું પડશે, પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે તેનો ડર રાખી ટેસ્ટ ઘટાડવાને બદલે ટેસ્ટની સંખ્યા વધારવી પડશે, પરંતુ એક તરફ રાજ્ય સરકાર કોરોના ટેસ્ટની સંખ્યા ઘટાડી રહી છે, બીજી  તરફ જેમની પાસે પૈસા છે તેવી વ્યકિતઓ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા હતા તે ખાનગી લેબ પણ સરકારે બંધ કરાવી દીધી છે, આ એક ખતરનાક રસ્તો છે. જયારે લોકડાઉન ખુલશે ત્યારે સરકાર અને આપણી કલ્પના બહારની સ્થિતિ નિર્માણ થશે.