મેરાન્યૂઝ નેવર્ક. કપડવંજ: ગુજરાત સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં મહિલાઓ સલામત છે, પણ સલામતીના દાવાઓ વચ્ચે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગુંડાઓ બે ખૌફ થઈ મહિલાઓને પરેશાન કરી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદ કરતા મહિલાઓને આબરૂ જવાનો ડર લાગે છે, બીજી તરફ પોલીસના દુરવ્યવહાર અને બેશરમી ભર્યા પ્રશ્નનો ડર લાગે છે જેના કારણે મહિલાઓ ફરિયાદ કરતી જ નથી, પરંતુ કપડવંજ ગ્રામ્ય પોલીસમાં એક મહિલાએ ફરિયાદ કરવાની હિમંત તો કરી પણ પોલીસે ખોટા આરોપીને કોર્ટમાં રજુ કરી સાચા આરોપીને બચાવી લીધો હતો, પણ આ મામલે ભોગન બનાનાર મહિલાઓ ખોટા આરોપીને પકડયા છે તેવી રજુઆત કરતા આ મામલે તપાસ શરૂ થઈ અને તેમાં ભાંડો ફુટયો કે પોલીસે જે આરોપીને કોર્ટમાં રજુ કરી જેલમાં  મોકલી આપ્યો છે તે આરોપી જ નથી પણ અને સાચો આરોપી બહાર ફરી રહ્યો છે જેના પગલે કપડવંજના પોલીસ સબઈન્સપેકટર એમ આર બારોટને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ રાજકિય વગ ધરાવતા પીએસઆઈ બારોટ ફરી પોતાની વગનો ઉપયોગ કરી ફરજ ઉપર આવી જશે તેવો દાવો પણ થઈ રહ્યો છે.

ઘટના એવી છે કે કપડવંજ તાલુકાના દનાદરા ગામે રહેતી એક પરણિતા જે બે સંતાનોની માતા પણ છે તેને ગામના વિજય વાદી, કિશનવાદી, કરણવાદી અને ઈશ્વર વાદી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતા હતા અને આવતા જતા રસ્તામાં તેને પરેશાન કરતા હતા, પણ આબરૂ જવાની બીકે પરણિતાએ આ ઘટનાની જાણ કોઈને કરી ન્હોતી, તા 1 સપ્ટેમ્બરના રોજ પરણિતા સરકારી બોર ઉપર પાણી ભરવા ગઈ હતી ત્યારે વિજય અને કિશન મોટર સાયકલ ઉપર ત્યાં આવ્યા હતા અને તેમણે પરણિતાને કહ્યુ કે અમારી સાથે કેમ વાત કરી નથી અમારી સાથે તને સંબંધ રાખવામાં કેમ વાંધો છે, આમ અવારનવારની આ ઘટનાથી ડરી અને કંટાળી ગયેલી પરણિતાએ ઘરે આવી પોતાના પિતાને જાણ કરતા તે ઠપકો આપવા માટે આવ્યા ત્યારે વિજય , કિશન ઈશ્વર અને કરણે તેમની ઉપર લાકડીઓ વડે હુમલો કરી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં પરણિતાના પિતા ઘવાયા હતા.

આ મામલે કપવંજ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા માટે પરણિતા ગઈ ત્યારે ત્યારે તેની ફરિયાદ તો નોંધાઈ ગઈ પણ પોલીસે આ મામલે ચાર સામે નોંધાયેલી ફરિયાદમાં વિજય, કિશન અને ઈશ્વર અને કરણની ધરપકડ કરી પણ તેમાં આરોપીને કરણ વાદીને બદલે કોઈ મહેન્દ્રભાઈ નામની વ્યકિતને કરણ તરીકે રજુ કરી કોર્ટમાં મોકલી આપતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હતા આ અંગે  પરણિતાને જાણ થતાં તેણે પોલીસ પાસે પકડાયેલા આરોપીના ફોટોગ્રાફ માંગતા તે ચૌંકી ગઈ હતી કારણ ચાર આરોપીઓ કરણ વાદીને બદલે પોલીસે મહેન્દ્ર નામની વ્યકિતને કરણ દર્શાવી જેલમાં મોકલી આપ્યો હતો આમ કોઈ અગમ્યકારણસર પોલીસે કરણને બચાવી લીધો હતો. જેના કારણે આ મામલો ઉચ્ચ કક્ષાએ રજુઆત થતાં ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.

પોતાના રીપોર્ટમાં ડીવાયએસપી જણાવ્યુ કે પીએસઆઈ બારોટે ખોટા આરોપીને રજુ કર્યો આમ તેમની ગંભીર ભુલ છે પરંતુ બારોટની વગને કારણે રીપોર્ટમાં તેવો ઉલ્લેખ થયો કે બારોટે ઈરાદાપુર્વક આ કૃત્ય કર્યુ નથી પણ તેમની બેદરકારી છે, જો કે આ મામલે રીપોર્ટ પછી બારોટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ બારોટના નજીકના દાવો કરી રહ્યા છે કે ડીજીપી ઓફિસ સુધી તેની પહોંચને કારણે ખાતાકીય તપાસ અને દંડ જેવી મામુલી સજા પછી તેઓ જલદી ફરજ ઉપર પાછા ફરશે.