રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કાયદો વાંચીએ ત્યારે થાય કે કાયદો સૌ માટે સમાન છે; દરેક નાગરિકને ન્યાય મળી શકે તેમ છે; પરંતુ વાસ્તવમાં કાયદો જ્યારે જાતિ, જ્ઞાતિ, ધર્મના આધારે અમલી બને કે સામાજિક, આર્થિક, રાજકીય ભેદભાવ મુજબ અમલી બને ત્યારે વિક્ટિમને મોટો અન્યાય સહન કરવો પડે છે. કોઈ નાગરિકને, કોઈ ગુંડો જાનથી મારી નાંખવાની ધમકી આપે તો IPC કલમ- 506 (2) હેઠળ કાયદો સુરક્ષા પૂરી પાડે છે; પરંતુ વાસ્તવમાં એવું જોવા મળે છે કે ગુંડો, અસાજિક તત્વ શાંતિપ્રિય નાગરિક સામે ગુનો દાખલ કરાવે છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ! આને કાયદાની જોગવાઈનો દુરુપયોગ કહેવાય. આવો દુરુપયોગ કરનાર સામે પગલાં લેવાતા નથી, એટલે દુરુપયોગનું પ્રમાણ વધતું રહે છે. કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો? નાવિક જો નાવ ડૂબાડે તો એને કોણ બચાવે?

ગુજરાતનો દાખલો લઈએ. પત્રકાર ધવલ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે; તેથી CMની બદલી થઈ શકે તેવું હવામાન છે ! આમાં પોલીસને રાજદ્રોહ દેખાયો ! કાયદાનો આ દુરુપયોગ કહેવાય. ફેબ્રુઆરી-2020માં દિલ્હીમાં કોમી તોફાનો થયા; તેમાં દિલ્હી પોલીસે બે વ્યક્તિને અટક કરી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સફૂરા જરગરને 13 એપ્રિલ, 2020ના રોજ એરેસ્ટ કરી ત્યારે એ ગર્ભવતી હતી. તેનો ગુનો એ હતો કે તેણે CAA વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની પાસેથી કોઈ હથિયારો, બોમ્બ મળ્યા ન હતા. તેને કોર્ટે જામીન ઉપર છોડવા ઈન્કાર કરી દીધો. તેની સામે આતંકવાદ વિરોધી એક્ટ- Unlawful Activities (Prevention) Act, UAPA હેઠળ આરોપ મૂકવાનાં આવ્યો છે. સરકારની કોઈ નીતિનો વિરોધ કરવો તેને આતંકવાદ કઇ રીતે કહી શકાય? કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો એને કોણ રોકે? પાણી જો આગ લગાડે તો એને કોણ ઠારે? બીજી તરફ, મનીષ સિરોહીને; ગેરકાયદેસર 5 પિસ્તોલ અને 20 કારતૂસ સાથે દિલ્હી પોલીસે 27 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો દરમિયાન અટક કર્યો. તે બે વરસથી હથિયાર, કારતૂસ મધ્યપ્રદેશથી ખરીદીને દિલ્હી લાવતો હતો. દિલ્હી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો; આતંકવાદ વિરોધી એક્ટ હેઠળ નહીં. કોરોના વાયરસના સંક્રમણના કારણે કોર્ટે 6 મે, 2020ના રોજ  મનીષને જામીન ઉપર મુક્ત કર્યો. સફૂરાને નહીં. સફૂરા અને મનીષ; પોલીસનો ભેદભાવ દેખાઈ આવે છે. પોલીસ રાજકીય દ્રષ્ટિકોણથી કામ કરે છે. કોમી તોફાનોના પાયામાં રહેલી; સત્તાપક્ષના નેતાઓના ભડકાઉં ભાષણો સામે દિલ્હી પોલીસે આંખ, કાન, મોં બંધ રાખ્યા છે અને CAA વિરોધી કાર્યકર્તાઓને ટાર્ગેટ કર્યા છે !

પોલીસે મનીષને કોમી તોફાન દરમિયાન પકડ્યો હતો; તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળ્યા હતા; પરંતુ તેની સામે પોલીસે માત્ર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. જ્યારે કોમી તોફાનો બાદ બે મહિના પછી સફૂરા અને બીજા વિદ્યાર્થીઓને UAPA હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યાં. મનીષ પાસેથી હથિયારો મળે છે છતાં તેની સામે આતંકવાદનો આરોપ મૂકાતો નથી; તો બીજાઓ ઉપર UAPA હેઠળ આરોપ મૂકવાનો કોઈ આધાર ખરો? એવું કંઈ રીતે શક્ય બને કે કોમી તોફાનો દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે પકડાઈ જનારની જામીન અરજી સામે કોઈ વાંધો લેવામાં ન આવે? જ્યારે બીજા આરોપીઓ પાસેથી પોલીસે કંઈ કબજે કરેલ ન હતું; છતાં તેઓ જેલના સળિયા પાછળ આજે પણ છે ! કાયદો ભેદભાવ કરતો નથી; અમલવારીમાં ભેદભાવ છે ! સત્તાપક્ષને UAPA કેમ વહાલો લાગે છે? કેમકે સરકારનો વિરોધ કરનારાઓને ચાર્જશીટ વિના લાંબા સમય સુધી જેલમાં પૂરી શકાય છે ! ભારતમાં આતંકવાદ વિરોધી કાયદાઓનો ડંડો મોટાભાગે હાંસિયામાં ઊભેલા સમુદાયો ઉપર ચાલે છે; એમાંય ખાસ કરીને લઘુમતીઓ ઉપર. તમે નહી માનો; પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985, TADAનો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ દેવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે જેલમાં જ રહેવું પડે; એ નક્કીછે ! પ્રશ્ન એ છે કે સરકારનો વિરોધ કરવો તે આતંકવાદી કૃત્ય કહેવાય?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)