મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોરોનાના આંકડા જે રીતે ઉપર તરફ જઈ રહ્યા છે, તે જોતાં તેની ચિંતા કરવી જરૂરી બની છે. આંકડા વધવાનું કારણ તમે કોઈપણ માનતા હોવ, ચૂંટણી, દાંડીકૂચ, ક્રિકેટ, ગમેતે પણ હાલ તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે હવે કોરોનાને રોકવા અને ફરી લોકડાઉન જેવી સ્થિતિ ન આવે તે માટે કેટલા સાવધાન રહો છો. અગાઉ પણ દિવાળીના તહેવારમાં કોરોના ફરી વકર્યો હતો. દરમિયાન હવે 28 અને 29 માર્ચે હોળી અને ધૂળેટીનો પર્વ આવ્યો છે. રંગોનો આ તહેવારમાં આપણા સ્વજનોના ઘરમાં આરોગ્યની સુખાકારીના રંગો જળવાઈ રહે તે પણ આપણી જવાબદારી છે. કારણ કે કોરોના તમારા સ્વજનો થકી અથવા તમારાથી સ્વજનો સુધી પહોંચતો હોય છે. જેની ચેઈન તોડવી ઘણી જરૂરી છે. ઉપરથી હાલ સુરતમાં તો નવા લક્ષણો જોવા મળ્યા છે જે ચિંતાનો વિષય બન્યા છે. સરકારે આ કારણે હોળી-ધૂળેટી માટે જાહેર કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે લોકોના ટોળા કરવા તે બીલકુલ હિતાવહ નથી તેથી તેના પર નિયંત્રણ લાવવામાં આવ્યો છે.


 

 

 

 

 

લોકો શેરીઓ, મેદાનો, ક્લબમાં, એક બીજાના ઘરે ટોળા થઈને રંગોનો તહેવાર મનાવતા હોય છે પરંતુ આ વખતે એક બીજા પર રંગ નાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હોળીકા દહન કરી તેની પ્રદક્ષીણા કરવી તે ધાર્મિક વિધિ છે તે કરી શકાશે પરંતુ તેમાં પણ ભીડ ભેગી ન થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.

કોઈપણ સંજોગોમાં આ ગાઈડલાઈન્સમાં સામૂહીક કાર્યક્રમોને મંજુરી બીલકુલ ન આપવાનું સ્પષ્ટ છે. સરકારની સૂચના પ્રમાણે આવા કાર્યક્રમોના અમલીકરણ માટે પોલીસ આ વખતે વધુ સજ્જ છે. રેન્જના વડાઓ, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિત રાજ્યની પોલીસને આ ગાઈડલાઈન્સના અમલીકરણ માટેની સૂચનાઓ આપી દેવાઈ છે. અગાઉ પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આ અંગે જાણકારી આપી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા સહિતના ઘણા જિલ્લાઓમાં કોરોનાના આંકડાઓમાં ધીમી ગતીએ વધારો જોવા મળી રહ્યો છે.