મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રાજ્ય પડેલા લીલા દુષ્કાળને પગલે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને લઇને જાહેરાત કરી હતી જેમાં 2 લાખ ખેડૂતોને વધારાની સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે લગભગ નુકસાનનાં 33 ટકા જેટલું થાય છે. નીતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતો માટે 700 કરોડનાં પેકેજની જાહેરાત કરે છે.

આ ઉપરાંત નાબય મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયત વિસ્તારમાં રૂ. 13, 500 અને બિન પિયત વિસ્તારમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ દરમિયાન નીતિન પટેલે કૉંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે,  કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે. મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે છતા પણ કોઈ માફી આપવામાં આવી નથી. પહેલા કૉંગ્રેસ પોતાના રાજ્યોમાં ખેડૂતોને સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે. અમારી સરકાર ખેડૂતોનાં પડખે છે.

ટૂંક સમયમાં લાભાર્થી  ખેડૂતોના ખાતામાં  RTGS દ્વારા અને કલેક્ટર દ્વારા જમા કરાવવામાં આવશે અને પાક વીમાનો સર્વે પૂર્ણ થયા બાદ વધારે સહાય જાહેર કરવામાં આવશે, તેમ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતુ. રાજ્ય સરકાર મુજબ ગુજરાતમાં 90 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાની શક્યતા છે. તેમણે એ પણ જણાવ્યું કે 18 નવેમ્બરથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરતા પહેલા નીતિન પટેલે આર.સી. ફળદુ અને સૌરભ પટેલ સાથે બેઠક કરી હતી.

રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 700 કરોડના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે. ગત વર્ષે સરકારે રૂ. 2600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે.