દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં હવે જ્યારે વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથના અને સૌના વિકાસના નામનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમના વિરોધમાં આમ આદમી પાર્ટી તેના સમાંતર એક કાર્યક્રમ યોજશે તેવી ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે.

આ ગુજરાત સરકારની કાર્યક્રમ તારીખ ૧ ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં ક્રમશઃ પહેલી તારીખે જ્ઞાનશક્તિ કાર્યક્રમ, બીજી તારીખે સંવેદના દિવસ, ચોથી તારીખે નારી ગૌરવ દિવસ, પાંચમી તારીખે કિસાન સંમાન દિવસ, છઠ્ઠી તરીકે રોજગાર દિવસ, સાતમી તારીખે વિકાસ દિવસ, આઠમી તારીખે શહેરી જન સુખાકારી દિવસ અને નવમી તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કાર્યક્રમોને સમાંતર કાયક્રમ યોજવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૭ વર્ષોમાં ગુજરાતનો વિકાસ કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે તે સંદર્ભે લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કાર્યક્રમની સત્તાવાર જાણકારી આપી હતી.

Advertisement


 

 

 

 

 

પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ," છેલ્લા ૨૭ વર્ષથી વિકલ્પના અભાવે મજબૂરીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડી છે પણ બદલામાં ગુજરાતની પ્રજાને કઈ મળ્યું નથી. કોરોના કાળમાં ગુજરાત સરકારની નિષ્ફળતા બધાએ જોઈ છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ હેલ્થકેરના નામે કઈ થયું નથી જે લોકોએ કોરોના મહામારી દરમિયાન જોયું છે અને સહન કર્યું છે. લોકોની સુખાકારી માટે કામ કરવાની જગ્યાએ સરકાર આવા કાર્યક્રમો કરીને તાઇફા કરી છે. જેના કારણે અમે આ કાર્યક્રમના સમાંતર એક કાર્યક્રમ કરીશું. આ કાર્યક્રમ અંતર્ગત પહેલી તારીખે સરકાર જ્ઞાનશક્તિ દિવસ ઉજવશે ત્યારે અમે અજ્ઞાનશક્તી દિવસની ઉજવણી કરીશું અને સરકાર દ્વારા કેટલી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી અથવા તો તેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું તેની જાણકારી પ્રજાને આપીશું. બીજી તારીખે સરકાર સંવેદના દિવસની ઉજવણી કરશે ત્યારે અમે અસંવેદના દિવસની ઉજવણી કરીશું જેમાં લોકોને કોરોનામાં કેવી તકલીફ સહન કરવી પડી એ અંગે વાત કરીશું. ચોથી તારીખે જ્યારે સરકાર નારી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની છે ત્યારે અમે નારી વિરોધી ભાજપ દિવસ તરીકે ઉજવીશું જેમાં ગુજરાતમાં ભાજપની સરકારની સત્તામાં નારી ઉપર થયેલા અત્યાચારો વિશે ચર્ચા કરીશું. પાંચમી તારીખે સરકાર કિસાન સન્માન દિવસ તરીકે ઉજવવા જઈ રહી છે ક્યારે અમે આ દિવસને કિસાન વિરોધી ભાજપ દિવસ તરીકે ઉજવીશું જેમાં ખેડૂતોને થઈ રહેલા અત્યાચારો વિશે વાત કરીશું. છઠ્ઠી તારીખે સરકાર રોજગાર દિવસ તરીકે ઉજવવાની છે ત્યારે અમે આ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવીશું. સાતમી તારીખે સરકારના વિકાસ દિવસના કાર્યક્રમની વિરૃદ્ધમાં અમે અધોગતિ દિવસ તરીકે ઉજવીશું જેમાં આમે સૌનો સાથ અને ભાજપનો વિકાસ અંગે ચર્ચા કરીશું. આઠમી તારીખે શહેરી જન સુખાકારી દિવસના કાર્યક્રમના દિવસે અમે શહેરી સમસ્યા દિવસ તરીકે ઉજવીશું. અને નવમી તારીખે સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે ત્યારે અમે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું પણ તેમાં આદિવાસીઓની સમસ્યા અંગે વાત કરીશું."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે," છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં પ્રજાના ૨૭ વર્ષ ભાજપે વેળફ્યા પછી પણ સરકાર લાજવાને બદલે આવા કાવતરા રૂપી કાર્યક્રમો કરે છે જેથી તેના વિરોધમાં અમે પાંચ વર્ષ આપણી સરકારના અને ભાજપના વિકાસના નામે એક સમાંતર કાર્યક્રમની ઉજવણી કરીશું. સાચા આંકડા સાથે સરકારની પોલ ખુલ્લી પાડીશું."