મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતભરમાં આજે ગણેશ વિસર્જનના પ્રસંગે લોકો હિલોળે ચઢ્યા હતા. લોકોએ ગણેશજીની શ્રદ્ધા સેવા કરી આજે તેમને વિદાય આપી હતી અને આવતા વર્ષે જલ્દી આવો તેવી પ્રાથના કરી હતી. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતના તમામ શહેરો કહી શકાય કે એક ભક્તિમય રંગમા રંગાઈ ગયા હતા.

માલપુર શહેરમાં ગણેશ યુવક મંડળ દ્વારા કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૨ જવાનોની શહીદીને યાદ કરી ૧૧૧ ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શ્રદ્ધાંજલિ આપી ત્રિરંગા યાત્રા સાથે માલપુર નગરમાં દેશભક્તિના બેનરો અને ચંદ્રયાનની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી. ગણેશ વિસર્જનનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાતા ધર્મ અને દેશભક્તિનો અનોખો સંગમ યોજાયો હતો.

મોડાસા નગરમાં ગણેશ મહોત્સવનું વિસર્જનની ભવ્ય શોભાયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું ટ્રેક્ટર,ઉંટલારી વગેરે સાથે નગરના રાજમાર્ગો ઉપર વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રામાં વિઘ્નહર્તા ગણપતિ દાદા રાજમાર્ગો, સોસાયટી વિસ્તાર અને રહેણાંક એરિયામાં પહોંચતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઢોલ-નગારા , ડીજે, ખંજરી,મંજીરા,ઘંટરવાની જમાવટ અને અબીલ-ગુલાલની છોળો ધ્યાનાકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું મોડાસા નગર સહીત અરવલ્લી જીલ્લામાં સામુહિક સ્થળે, ઘર આંગણે અને ધંધા-રોજગારના સ્થળે પ્રસ્થાપિત કરેલા દુંદાળાદેવની વિદાય સમયે ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો મોડાસાના ઓધારી તળાવમાં નગરપાલિકા તંત્ર દ્વારા બનાવેલ કુત્રિમ કુંડમાં ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જીલ્લામાં અનંત ચૌદસે મોડાસા શહેર સહીત અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ વિસર્જનની ભવ્યાતિભવ્ય યાત્રા યોજાઈ હતી. મોડાસા શહેરમાં બપોરના એક વાગ્યા બાદ રામપાર્ક કા રાજા, મેઘરજ રોડ યુથ જંક્શન, રિદ્ધિ સિદ્ધિ મનોકામના યુવક મંડળ, સાંઈ ગ્રુપ ઓધારી યુવક મંડળ, સોનીવાડા, ભોઈવાડા, કડીયાવાડા સહિતના જાહેરસ્થળોએ અને ઘરે,ધંધા-રોજગાળ ના સ્થળે પ્રસ્થાપિત કરેલી ગણપતિદાદાની પ્રતિમાઓ ડીજેના, બેન્ડવાજા અને ઢોલીઓના તાલે ધીરે ધીરે પંડાલમાંથી વિસર્જન તરફ પ્રયાણ થતા સ્વયંભૂ નગરજનો વિસર્જન યાત્રામાં જોડાઈ ગયા હતા. “અગલે બરસ તું જલ્દી આના” અને “ગણપતિ બાપ્પા મોરયા” ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 

વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ યોજાય તે માટે પોલીસતંત્ર દ્વારા વિસર્જન યાત્રાના સાથે અને માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગણેશજીની પ્રતિમાના વિસર્જન સમયે ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી અને ભારે હૈયે ભાવવિભોર બની રહેઠાણ સ્થળોએ પરત ફર્યા હતા.