મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ સામાન્ય દિવસોમાં નવરાત્રીની લોકો કાગડોળે રાહ જોતા હોય છે, નવરાત્રીમાં ગરબા રમવાનો ગુજરાતીઓ સહિત વિદેશીઓને એવો શોખ જામે છે કે તેના માટે મહિનાઓથી તૈયારીમાં લાગી જાય છે. જોકે જ્યારથી કોરોનાએ ભારતમાં એન્ટ્રી કરી અને સ્થિતિ દિવસેને દિવસે બગડતી ગઈ ત્યારથી લગભગ તમામ તહેવારોને ગ્રહણ લાગતા થયા જે પછી હવે જ્યારે સ્થિતિ થોડી સુધારા પર છે ત્યારે પણ તહેવારોની ઉજવણી અને ટોળા લોકોને ગભરાવી દે છે. આગામી સમયમાં આવી રહેલી નવરાત્રી ટાંણે કોમર્શિયલ ગરબા પર તો પ્રતિબંધ છે જ પરંતુ શેરી ગરબાને મંજુરી મળી છે. ત્યારે કેટલીક બાબતો પર પ્રકાશ પાડવો જરૂરી બન્યો છે.

આગામી 7મી ઓક્ટોબરથી જ નવરાત્રીના ઢોલ વાગવાના શરૂ થઈ જશે ત્યારે સરકારે 400 લોકોને જ લાઈવ ઓરકેસ્ટ્રા, ડીજે સાથે છૂટ આપી છે. ત્રીજી વેવ માટે કારણભૂત બનવાની શક્યતા ધરાવતા ટોળાઓ ન થાય અને સેફ ગરબા થઈ શકે તે માટે સરકારે નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવા રસીના બંને ડોઝ ફરજિયાત લેવાનું નક્કી કર્યું છે. રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે.

Advertisement


 

 

 

 

 

ગૃહ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. ઉલ્લેખનીય છે કે બીજી વેવ અને તેની ઈફેક્ટ સહિતના વંટોળમાં રૂપાણી સરકાર લપેટે લેવાઈ ગઈ પરંતુ નવી ભપેન્દ્ર પટેલ સરકાર હવે થર્ડ વેવથી લોકો પરેશાન ન થાય અને સામે સરકારને પણ રાહત રહે તે પ્રકારના આયોજનમાં છે. શુક્રવારની સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓ માટે છુટ આપવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, રોગચાળા નિયંત્રણ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. 25 નવેમ્બરને શનિવારથી 10મી ઓક્ટોબર 2021 સુધી રાત્રિ કરફ્યુ રાતે 11 વાગ્યાને બદલે 12 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે.