જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): બે દાયકાથી પણ વધુ સમયથી ગુજરાત પોલીસમાં ઉભી કરવામાં આવેલી સિસ્ટમ એવી રેપીડ રિસ્પોન્સ (R.R) સેલને સમાપ્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદ રેંજની એક ઘટનાને પગલે સરકારે આવો નિર્ણય કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષો જૂની રેન્જ લેવલની સિસ્ટમ બંધ કરવાનાં સારા અને નરસા બંને પ્રત્યાઘાત આવ્યા છે. કોઈ એક ઘટના કે અમુક માણસોને પગલે એક આખી સિસ્ટમને જ બંધ કરી દેવા અંગે ગુજરાતનાં નિવૃત્ત IPS ઓફિસર્સનું એવું માનવું છે કે, આ અંગે સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. અમુક ગણતરીના લોકોને કારણે આખી સિસ્ટમ બંધ કરવાની જરૂર નથી. પરંતુ માનસિકતા બદલવાની જરૂર છે.


 

 

 

 

 

ગુજરાતના ડીજીપી (DGP) રહી ચૂકેલા રિટાયર્ડ આઇપીએસ ઓફિસર અરુણકુમાર (એ.કે.) ભાર્ગવે (A.K.Bhargav) આ અંગે કહ્યું કે, વર્ષોથી આર.આર.સેલમાં રહેલા લોકોને હટાવવા માટે કદાચ સરકારે આ પગલું ભર્યું હશે. જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ કરવા માટે રેન્જ લેવલે આર.આર.સેલ જેવી વ્યવસ્થા હોવી જરૂરી છે. સરકાર કદાચ ભવિષ્યમાં આ અંગે ફેર વિચારણા કરી શકે છે તેમ એ.કે.ભાર્ગવે ઉમેર્યું હતું. અન્ય એક નિવૃત્ત IPS ઓફિસર વી.એમ.પારગી (VM Pargi)એ પણ કઈંક આવું જ કહ્યું હતું. એસપી, ડિસીપી અને રેન્જ કક્ષાએ કામ કરી ચૂકેલા રિટાયર્ડ આઇપીએસ પારગીએ સેલની ભૂમિકા અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 1995ની આસપાસ રેન્જ કક્ષાએ આવી સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. જેનો આશય એવો હતો કે, જયારે જિલ્લા કક્ષાએ કોઈને ન્યાય ન મળે તો તેઓ રેન્જ લેવલે આઈજી કે ડીઆઈજીનો સંપર્ક કરી શકે. સુપરવાઇઝરી લેવલની આ પોસ્ટ ઉપર કામ કરતા IPS ઓફિસર પાસે લોકોની ફરિયાદનું નિરાકરણ કરવા માટે એક ટીમ હોવી જરૂરી હતી. અને તેવા આશયથી આર.આર.સેલનું સર્જન કરવામાં આવ્યું હતું. વળી ડિસ્ટ્રીકટ લેવલે એક એવી સિસ્ટમ હોવી પણ જરૂરી હતી જેને લીધે જિલ્લા કક્ષાએ કોઈ ખોટું કામ કરતા ડરે. હવે જો આર.આર.સેલ જ ખતમ કરી દેવામાં આવ્યું તો રેન્જ લેવલે આઈજી(IG) કે ડીઆઈજી(DIG)ને એસપીને જ સૂચના આપવી પડશે. આથી સિસ્ટમ બંધ કરવાને બદલે માનસિકતા બદલવાની જરૂર છે. કારણ કે રેંજનો વ્યક્તિ સેલ બંધ થઈ જશે તો જિલ્લામાં કામ કરવા આવશે. એટલે વ્યવસ્થા નહીં પરંતુ મેન્ટાલીટી બદલવાની જરૂર હતી તેમ નિવૃત્ત એડિશનલ ડીજીપી પારગીએ ઉમેર્યું હતું.

આર.આર.સેલ વિસર્જિત કરવા અંગે ગુજરાતનાં ડીજીપી(DGP) આશિષ ભાટિયા (Ashish Bhatia)એ કહ્યું કે, સરકારે આ સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જેનો આગામી દિવસોમાં અમલ કરવામાં આવશે.


 

 

 

 

 

આર.આર.સેલને પગલે વિવાદ થયો ?

તાજેતરમાં જ અમદાવાદ રેન્જનાં આર.આર.સેલનાં એક પોલીસ કર્મચારી લાખો રૂપિયાની લાંચમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં આવી ગયો હતો. જેને પગલે આર.આર.સેલની કામગીરી સામે શંકાની નજરે જોવામાં આવ્યું હતું. એવું પણ નથી કે સેલનાં કર્મચારીઓ દૂધે ધોવાયેલા છે. પરંતુ અમુક ચોક્કસ લોકોને કારણે આખી સિસ્ટમને બંધ કરી દેવાની વાત સામે પોલીસ બેડામાં પણ પ્રત્યાઘાત પડ્યા છે. સરકારે અગાઉ ચેક પોસ્ટથી માંડીને પ્રોહીબિશન અંગે પણ આવા નિર્ણય કર્યા છે. પરંતુ દારૂ અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કરવામાંથી ગેરકાયદે પ્રવૃત્તિ અટકી નથી. તેવામાં આર.આર.સેલ બંધ કરી દેવાનો નિર્ણય આગામી દિવસોમાં કેવું રૂપ લે છે તેની ઉપર પોલીસ બેડાની નજર રહેશે..