મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: ખંભીસર વરઘોડામાં Dy.SP ફાલ્ગુની પટેલ અને PSI ચાવડા સામે ફરિયાદ નોંધાવવાની જીદ છોડતા આખરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ખંભીસરમાં વરઘોડામાં વિઘ્ન સર્જનાર ટોળા સામે મોડાસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી છે.

મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ એક પણ અનુસૂચિત જાતિના વ્યક્તિનો ઘોડા ઉપર વરઘોડો નીકળ્યો નથી. ત્યારે ગામના ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના ગત રવિવારે લગ્ન હોવાથી પોલીસ રક્ષણ સાથે ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. જાહેરમાર્ગ પર ગામની મહિલાઓએ ભજન-કિર્તન કરી વરઘોડાને અટકાવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હોવા છતાં જાહેરમાર્ગ પરથી મહિલાઓને હટાવવામાં નિષ્ફળ રહેતા બંને જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાવાની સાથે પથ્થરમારામાં બંને જૂથના કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાના ૫ દિવસ પછી ૪૫ લોકોના નામજોગ સહિત ૧૫૦ માણસોના ટોળા સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વરરાજાના પિતા ડાહ્યાભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ ઘટનામાં મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ચાવડા અનુ.જાતિ સમાજના લોકો સાથે અભદ્ર શબ્દ પ્રયોગ કરતા અને પોલીસતંત્રની નિષ્ફળતાના આક્ષેપ સાથે ડાહ્યાભાઈ રાઠોડ અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવકોએ બંને મહિલા અધિકારીઓ સામે ગુન્હો નોંધવાની માંગ સાથે રાજ્ય પોલીસવડા શિવાનંદ જા ને રજુઆત કરવાની સાથે જીદ પકડતા ફરિયાદનો મામલો ગૂંચવાયા પછી આખરે અનુ.જાતિ ના અગ્રણીઓ અને વરરાજાના પિતા ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડએ પોલીસતંત્રના અધિકારીઓની સમજાવટ પછી જીદ છોડી આખરે ૪૫ લોકોના નામજોગ અને ભજન-કિર્તન કરતી ૧૬ મહિલાઓ સહીત ૧૫૦ થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી.

મોડાસા રૂરલ પોલીસે ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડની ફરિયાદના આધારે ભજન-કિર્તન મંડળીમાં જોડાયેલી ૧૫ મહિલાઓ અને પથ્થરમારો કરનાર ૩૦ લોકોના નામજોગ સહિત અન્ય ૧૫૦ લોકોના ટોળા સામે ઇપીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૯,૩૪૧,૩૦૭,૩૩૭,૫૦૪,૪૨૭,૫૦૬(૨),૩૨૩ તથા એટ્રોસિટી એક્ટ કલમ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.