રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ભારતમાં મતદારો ઉપર ધાર્મિક સંતો, કથાકારો, બાબાઓ, સ્વામિઓ, માતાજીઓ, દેવીઓ, જૈન મુનિઓ, સ્વામિનારાયણ, સ્વાધ્યાય પરિવાર, શ્રીશ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી, કબીરપંથી, રજનીશપંથી, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, ધર્મ ધૂરંધર પરમ પૂજ્ય બાપૂઓ, ધાર્મિક સંપ્રદાયો, રામદેવ, રામપાલ, રામરહીમ, આશારામ વગેરેના મોટા ભાગના ભક્તો રાજકીય બાબતે એક સરખું કેમ વિચારે છે? બધા ચોકીદારની તરફેણ કેમ કરે છે? આ ભક્તોને નોટબંધી, GST,ગગડતા રુપિયામાં, માઈનસ GDPમાં ચમત્કાર કેમ દેખાય છે ? એવું ક્યું તત્વ છે કે અમુક સાહિત્યકારો, રેશનાલિસ્ટ લોકો પણ ચોકીદારના ભક્તો છે? ચોકીદારની ભક્તિનું, લોકપ્રિયતાનું ખરું કારણ શું છે? ધાર્મિક સંપ્રદાયોના ભક્તો એક સરખું કેમ વિચારે છે? કેટલાંક તો આંબેડકરજીનું નામ લે છે અને ચોકીદારની ભક્તિ કરે છે ! બધાને ચોકીદાર ગમે છે, એનું કારણ શું છે? દેશને આર્થિક મંદી તરફ ધકેલી દીધો છતાં લોકોએ 2019ની ચૂંટણીમાં વધારે સીટો કેમ આપી? આ પ્રશ્ન વિચાર માંગી લે તેવો છે.

એક કબીરપંથી મિત્રને ચોકીદાર બહુ ગમે છે. તેમની દલીલ છે : “ચોકીદાર 16-17 કલાક કામ કરે છે/સ્ટાઈલિશ કપડાં પહેરે છે/લોકો પાસે તાળિઓ પડાવી શકે તેવું બોલી શકે છે/પરિવાર નથી એટલે ભ્રષ્ટાચાર કોના માટે કરે, લડાયક પર્સનાલિટી છે, બધાંને સીધાદોર રાખે છે, પક્ષમાં બધાને ડરાવીને કંટ્રોલમાં રાખે છે, પ્રખર દેશભક્ત છે, નિષ્ઠાવાન છે, એની બરોબરી કરી શકે તેવો કોઈ નેતા નથી, દેશનો ખરો ચોકીદાર છે !” આવી જ દલીલ એક આર્યસમાજી મિત્રની છે. કબીર તો માનવવાદમાં માનતા હતા; હિન્દુ-મુસ્લમ વચ્ચે નફરતનું ઝેર ફેલાવનારની તરફેણ કબીરપંથીઓ કઈ રીતે કરી શકે? દયાનંદ સરસ્વતી મૂર્તિપૂજાને, અંધશ્રદ્ધાને મૂર્ખતા કહેતા હતા; રામમંદિર અને અંધશ્રદ્ધાની તરફેણ આર્યસમાજીઓ કઈ રીતે કરી શકે? જેના વિચાર હાનિકારક હોય; તેની પ્રવૃતિ સારી હોઈ શકે નહીં.

મારી દ્રષ્ટિએ ચોકીદારની સફળતાનું કારણ જુદું છે. ભક્તોની ચામડી ખોતરશો તો સફળતાનું રહસ્ય બહાર આવશે : “આ બંદાએ મુસ્લિમોને સીધા કરી દીધાં !” આ ઈમેજને કારણે હિન્દુબહુમતીને ખુશ કરી દીધી. આ ઈમેજ ઘડવાનું કામ ગોદી મીડિયાએ ઉપાડી લીધું. ગ્રામીણ લોકો કરતા શહેરી લોકો ગોદી ચેનલો વધુ જૂએ છે; એટલે શહેરી વિસ્તારના લોકો મત આપતી વેળાએ વિચારતા નથી. ગોદી મીડિયાના માલિકો ક્રોની કેપેલિસ્ટ છે. મુકેશ અંબાણી નક્કી કરે છે કે ભારતનો PM કોણ બનશે ! લોકોને/ધાર્મિક સંપ્રદાયોના ભક્તોને ધર્મનું અફીણ ગમે છે. મુસ્લિમોને સીધા કરી દીધા એટલે શું? પાકિસ્તાનની સખ્ત ટીકા કરવાની/2002ની સદભાવના યાત્રા સમયે મિયાં મુશરફના નામે  કોથળામાં પાંચશેરી ફટકારી હતી; તેની જાદૂઈ અસર થઈ હતી ! ધાર્મિક પ્રતીકો રામમંદિર, ગાય, દિવાળી, નવરાત્રિ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ વગેરેનો સત્તા માટે ઉપયોગ કરવાનો ! હિન્દુઓને મુસ્લિમોનો ડર દેખાડ્યા કરવાનો ! ટીવી ચેનલોમાં ગંદા વિચારોવાળા મૌલવીઓને  રજૂ કરવાના ! મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટે તેવી ડીબેટ કરવાની ! મુસ્લિમો પ્રત્યે ઝેર ઓકનારાઓને ધારાસભ્ય, સંસદસભ્ય બનાવવાના ! બહારથી PM; અંદરથી હિન્દુ હ્રદય સમ્રાટની ઈમેજ ચકચકિત રાખવાની ! બંધારણમાં સેક્યુલારિઝમ ભલે હોય; વાસ્તવમાં ધાર્મિક રીતરસમોની જ બોલબાલા ! બોલો; કોને આવો ધાર્મિક નશો ન ગમે? આ નશાના કારણે નોટબંધી, GST, ગગડતો રુપિયો, માઈનસ GDP, બેરોજગારી, ઊંચી શિક્ષણ ફી, માંદલું આરોગ્યતંત્ર, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વગેરેની સમસ્યા ગાયબ થઈ જાય છે ! ખરેખર એ શાસક ભાગ્યશાળી કહેવાય; જેમના પર શાસન કરે છે એ લોકો તો કશું વિચારતા જ નથી.

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)