મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ત્રણ દાયકા પૂર્વે જામજોધપુર પોલીસ દફતરમાં પોલીસ કસ્ટડીમાં થયેલ એક યુવાનના મૃત્યુ કેસનો આજે જામનગર સેસન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી તરીકે રહેલા વિવાદિત પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન પોલીસકર્મી પ્રવિણસિંહ ઝાલાને તકસીરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 

જામનગર જિલ્લાના ચર્ચિત જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં આજે જામનગર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. વર્ષ ૧૯૯૦માં ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ રથ યાત્રા કાઢવામાં આવી હતી. દેશભરમાં આયોજિત કરવામાં આવેલ આ રથયાત્રા દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે રથયાત્રા વખતે કોમી તંગદિલી પ્રસરી ગઈ હતી. જે તે સમયે તંગ સ્થિતિ થાળે પાડવા સ્થાનિક પોલિસે જામજોધપુર પોલિસે ૧૩૩ સ્થાનિક વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં રહેલા પ્રભુદાસ વૈષ્ણાની નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને જે તે સમયે સમગ્ર હાલારમાં આ કેસ ચકચારી બન્યો હતો. પોલીસના શારીરિક ત્રાસ અને બેફામ માર મારવાને કારણે પ્રભુદાસભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાના આક્ષેપ સાથે જે તે સમયે જામજોધપુરવાસીઓએ ઉગ્રતા દેખાડી હતી. પરિસ્થિતિને પામી ગયેલ પોલોસે જે તે સમયે કસ્ટડીમાં માર મારવા બદલ આઇપીએસ સંજીવ ભટ્ટ અને પોલીસ કર્મચારી પ્રવીણસિંહ ઝાલા સહિતના અડધો ડઝન ઉપરાંત પોલીસકર્મીઓ સામે હત્યા અન્ય મારકુટ સબબ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ કેસ ત્રણ દાયકાઓ સુધી ચાલ્યો હતો.

ખંભાળિયા કોર્ટ, જામનગર સેસન્સ કોર્ટ, હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ ચાલ્યો હતો. આ તમામ કોર્ટમાં જુબાનીઓ, પુરાવાઓ, સાક્ષીઓ અને વાદી-પ્રતિવાદીઓના નિવેદનો સહિતની પ્રક્રિયા ઉપરાંત સરકારી અને સપેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ તરફેના વકીલ વચ્ચે દરેક કોર્ટમાં ઉગ્ર દલીલો થઇ હતી. અંતે સુપ્રીમ કોર્ટએ જામનગર સેશન્સ કોર્ટને આ કેસની અંતિમ સુનાવણી માટે 20 જૂન નક્કી કરી હતી. જેને લઈને આજે આ કેસ ચાલી જતા સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતાં અને સેસન્સ જજ વ્યાસે બંનેને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. આજના ચુકાદા પૂર્વે સંજીવ ભટ્ટને ચુસ્ત જાપતા વચ્ચે કોર્ટમાં લઇ આવી પરત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.