મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: દેશભરમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટના એંધાણ થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર સબસલામત હોવાનો દાવો કરી રહી છે. ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ ખેડૂતો ઉપર થોપી દેવામાં આવ્યો છે. વીજ કાપના લીધે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારને ચિમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.

ખેડૂતોના વીજ કાપ બાબતે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાવેતરના સમયે વીજ કાપ થોપી બેસાડી રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને પ્રતાડિત કરી રહી છે. ખેડૂતો રવિ સિઝનના વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોને દિવસે વીજળી આપવાના દિવા સ્વપ્નો દેખાડી રહેલી રાજ્યની ભાજપ સરકારે કૃષિ વિષયક વીજળીમાં મોટો કાપ મુકીને ખેડૂતોના મોઢાનો કોળીયો છીનવી લેવાનું પુરું આયોજન કર્યું છે. વીજળીના અભાવે પિયતના થતા ખેડૂતો  વાવેતર કરી શકે તેમ નથી. જો સમય સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શકે તેમ છે. એક બાજુ સરકારે ચોમાસુ સિઝન નિષ્ફળ જવા છતાં ખેડુતોને 'મુખ્યમંત્રી કિસાન સહાય' યોજના અંતર્ગત એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. એવામાં હવે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો ખેડૂતો  માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાશે.

Advertisement


 

 

 

 

 

વધુમાં જણાવ્યું હતું કે ખેડુતો  પાસેથી પુરુ લાઈટ બીલ વસુલવામાં આવતુ હોવા છતાં નિર્ધારીત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક વીજળી આપી ખેડુતોને ડામ આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનિયમિત સમયના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. ઉપરાંત વારંવાર વીજ કટ થતો હોવાથી ટ્યુબવેલની મોટર પણ બળી જતા ખેડૂત મિત્રોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે.

જે રીતે ભાજપ સરકાર ખેડુતોને હેરાન કરી રહી છે, તે અસહ્ય છે, મારી રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ વિનંતી છે કે ખેડૂતોને પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો ખેડૂતોને સાથે રાખી આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
 

Advertisement