નિક્સન ભટ્ટ.સુરતઃ સુરતમાં હાલમાં જ પાટીદાર અનામત આંદોલનની મોટી અસર જોવા મળી રહી છે ત્યારે ભાજપ માટે અહીં ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવે તો નવાઈની વાત ન કહી શકાય. વિધાનસભાની ચૂંટણીમાં મતદારો અને પક્ષનો દબદબો ઘણો અસરકર્તા રહેતો હોય છે. મતદારોને જાણી લેનાર જ સત્તા મેળવે છે. તો આવો જોઈએ સુરતની વરાછા, ઉધના, કતારગામ અને મજુરા બેઠકનું ચૂંટણી ગણિત...

ઉધના વિધાનસભા

કુલ મતદારોઃ 2,29,523

મહિલા મતદારોઃ 93,770

પુરુષ મતદારોઃ1,35,319

મરાઠી અને ઉત્તરભારતીય મતદારોના પ્રભુત્ત્વવાળી આ બેઠક પર જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો મહારાષ્ટ્રીયન-62,670, ઉત્તર ભારતીય-24,422, લઘુમતી-19,220, ઓરિસાવાસી-17,568.

આ બેઠક પર 2012નો ચૂંટણી જંગ ભાજપના પીઢ નેતા નરોત્તમ પટેલ અને કોંગ્રેસના ધનસુખ રાજપૂત વચ્ચે ખેલાયો હતો. જેમાં નરોત્તમ પટેલ 32,754 મતે વિજયી બન્યા હતા. આ વખતે ભાજપે નરોત્તમ પટેલની જગ્યાએ વિવેક પટેલને ટિકિટ આપી છે. સામા પક્ષે કોંગ્રેસે સતીષ પટેલને ટિકિટ આપી છે. સતીષ પટેલ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. જેન કારણે એખ દાયકાથી તે પોતાના વિસ્તારના લોકોના સતત સંપર્કમાં રહ્યા છે. તેમના પિતા ચંપક ભાણા પણ ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે પ્રજાના કામ કરવામાં સફળ રહ્યા હતા. વળી, દુખિયાના બેલી ગણાતા ચંપક ભાણા પટેલની  આ પરંપરા સતીષ પટેલે પણ ચાલુ રાખી છે. જેના કારણે ઉધના વિસ્તારમાં સતીષ પટેલ લોક સંપર્ક જાળવવામાં સતત સફળ રહ્યા છે. તેની સામે વિવેક પટેલ આ વિસ્તાર માટે નવા નિશાળિયા ગણી શકાય. તે ભાજપમાં ભલે જૂના હશે પણ ઉધના વિસ્તાર માટે તે નવા નિશાળિયા ગણી શકાય.

આ વિસ્તારમાં ભાજપે લોકોની અવગણના કરી હોવાની વાત નુકાસન કારક સાબિત થશે સામા પક્ષે પોતાના માણસ અને જ્યારે જરૂર પડે ત્યારે હાજર રહે તેવા ઉમેદવાર કોંગ્રેસના હોવાના કારણે અહીં પણ ચૂંટણીજંગ રસાકસી ભર્યો બની રહેશે.

કતારગામ વિધાનસભા

 

કુલ મતદારોઃ 2,69,570

મહિલા મતદારોઃ 1,15,956

પુરુષ મતદારોઃ 1,53,614

આ બેઠક પર પાટીદારો અને પ્રજાપતિ સમાજના મતોનું પ્રભુત્ત્વ છે. જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો પાટીદારો-85,726, પ્રજાપતિ-59,168, કોળી પટેલ-15,639, સુરતી-15,292, એસસી,એસ.ટી.-15,984, પરપ્રાંતીય-34,357.

આ બેઠક પર 2012ના વર્ષમાં ભાજપના નાનુ વાનાણી અને કોંગ્રેસના નંદલાલ પાંડવ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના નાનુ વાનાણીનો 43,272 મતથી વિજય થયો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજના ઉમેદવારની પસંદગી કરી હતી તો ભાજપે પાટીદારની. આ વખતે કોંગ્રેસે પોતાની ભૂલ સુધારી લઈ પાટીદાર યુવાન જિજ્ઞેશ મેવાસાને ટિકિટ આપી છે. તો ભાજપે પાટીદારની થીયરી રિપિટ કરી નાનુ વાનાણીની જગ્યાએ પાટીદાર યુવાન વિનુ મોરડિયાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પરિણામે પાટીદારોના મતોનું વિભાજન થશે. તેવા સંજોગોમાં પ્રજાપતિ સમાજના મતો અહીં નિર્ણાયકની ભૂમિકામાં રહેશે. આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પરચૂરણ કહેતા પ્રજાપતિ સમાજમાં રોષ વ્યાપ્યો છે. તેવા સંજોગોમાં ભાજપ પ્રતિનો પ્રજાપતિ સમાજનો રોષ કોંગ્રેસને જીત અપાવે તો ના નહીં.

બીજી એક વાત એ પણ નોંધપાત્ર છે કે નાનુ વાનાણી પોતના પાંચ વર્ષના કાર્યકાળમાં પ્રજા સાથેનો સંપર્ક રાખવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. વળી, કોઈના પણ કામ કર્યા નથી જેના કારણે લોકોને ભાજપ સામે રોષ છે જ. જો આ રોષ મતદાન સુધી પહોંચશે તો અહીંથી ભાજપે આ બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

વરાછા વિધાનસભા

કુલ મતદારોઃ 1,95,997

મહિલા મતદારોઃ 84,542

પુરુષ મતદારોઃ1,11,537

આ બેઠક પર માત્ર અને માત્ર પાટીદારોનું જ પ્રભુત્ત્વ છે. કારણ કે કુલ મતદારો 1,95,997 છે. તેમાંથી 1,50,950 પાટીદારો છે. જેથી પાટીદારોનો રોષ આ બેઠકનું પરિણામ નક્કી કરશે.

અનામતને લઈને પાટીદારોમાં ભાજપ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનામતની ચળવળમાં વરાછા કેન્દ્રમાં રહ્યું છે. વળી, હાર્દિકનો રોડ-શો પણ આ વિસ્તારમાં સફળતા સાથે સંપન્ન થયો છે. તેવી સ્થિતિમાં કોંગ્રેસ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લે તો ના નહીં. બીજી રીતે કહીએ તો પાટીદારો માટે હવે અસ્તિત્ત્વનો સવાલ છે. આ બેઠક પર જો કોંગ્રેસની જીત નહીં થાય તો પાટીદારોની અનામતની ચળવળ ભાંગીને ભુક્કો થઈ જશે એ હકીકત છે.

ગત ચૂંટણીમાં અહીં ભાજપના કિશોર (કુમાર) કાનાણી અને કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના કિશોર કાનાણીનો 20,359 મતે વિજય થયો હતો.

હાલની સ્થિતિ જોઇએ તો અહીં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરા વિજય હાંસલ કરે તેવા સંજોગો છે. એક તો કિશોર કાનાણીને 2012ની ચૂંટણીમાં મદદરૂપ બનનારા તેમના ખાસ બે ટેકેદારોએ આ વખતે કિશોર કાનાણીથી મોઢું ફેરવી લીધું છે. તેમની સામે કામ કરે છે. જેના કારણે કિશોર કાનાણીની હાલત કફોડી જોવા મળી રહી છે. વળી, આ વખતે પાટીદાર અનામત આંદોલનનો પ્રશ્ન છે. જે ગત ચૂંટણીમાં ન હતો. જેથી પાટીદારોમાં ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. જો આ રોષ મતદાનમાં ફેરવવામાં કોંગ્રેસ સફળ રહેશે તો અહીંથી કોંગ્રેસની જીત નક્કી છે.

મજૂરા વિધાનસભા

કુલ મતદારોઃ 2,39,563

મહિલા મતદારોઃ 1,07,512

પુરુષ મતદારોઃ 1,32,048

 આ બેઠક પર જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું પ્રભુત્ત્વ છે. જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો ગુજરાતી-જૈન મારવાડી-36,489, મોઢ વમિક, ખત્રી, રાણા સમાજ-24,999, પાટીદાર-24,205, એસ.ટી. એસ.સી. 24,941, ઉત્તર ભારતીય-16,230, પંજાબી-સીંધી-12,198.

આ બેઠકમાં સુરતનો પોશ વિસ્તાર આવે છે. જેમાં મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ વસવાટ કરે છે. આ વખતે નોટબંધી બાદ જીએસટીના કારણે કાપડના વેપારીઓમાં ભાજપ સામે રોષ ભભૂકી રહ્યો છે. જેના કારણે ભાજપ માટે સલામત ગણાતી આ બેઠક પર પણ ટફ ફાઈટ થવાની શક્યતા છે. કદાચ તેના કારણે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રોડ-શોનું આ બેઠકના વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું.

2012ના વર્ષની આ બેઠકની સ્થિતિ તરફ નજર કરીએ તો ભાજપના હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધનપત જૈન વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષ સંઘવીનો 71,406 મતે વિજય થયો હતો. આ વખતે ભાજપે હર્ષ સંઘવીને રિપિટ કર્યા છે. તો કોંગ્રેસે કાપડના વેપારી અશોક કોઠારીને અહીં ટિકિટ આપી છે. જેના કારણે કાપડના વેપારીઓ ઉપરાંત જૈન મારવાડી સમાજના મતોનું વિભાજન થશે. અહીંથી જો કોંગ્રેસના પરંપરાગત ગણાતા મતો એસ.ટી. એસ.સી.ના મત કોંગ્રેસને મળશે તો ભાજપ માટે સહેલી ગણાતી જીત કપરી બની જશે અથવા બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો ના નહીં.