મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત રાજ્યની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત સાથે જ આચારસંહિત્તા પણ લાગુ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. આગામી 

કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું કે, સામાન્ય ચૂંટણીઓ, પેટા ચૂટણીઓ જાહેર કરીએ છીએ. ઉમેદરવારી પત્રો ભરવાની તારીખ મહાનગર પાલિકા માટે 6 ફેબ્રુઆરી જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા 13 ફેબ્રુઆરી રહેશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ મહાનગર પાલિકા માટે 9 ફેબ્રુઆરી અને પંચાયતો માટે 16મી રહેશે. મતદાનની તારીખ 21 ફેબ્રુઆરી રવિવારે મહાનગરપાલિકા માટે અને અન્યો માટે 28 ફેબ્રુઆરીએ યોજાશે. મત ગણતરીની તારીખ મહાનગર પાલિકા માટે 23 ફેબ્રુઆરી અને અન્ય માટે 2જી માર્ચ રહેશે.

47695 મતદાન મથકો પર 4.09 કરોડ મતદારો કરશે મતદાન

બંધારણ અને કાયદાઓની જોગવાઈ મુજબ 6 મહાનગરપાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની નવેમ્બર 2020માં સામાન્ય ચૂંટણીઓ યોજવાની થતી હતી. આ ચૂંટણી કોરોના કાળને કારણે મુલત્વી કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને કારણે હવે આ ચૂંટણી નવેમ્બર 2020ને બદલે આજે જાહેર કરવામાં આવી રહી છે. જે અનુસાર 6 મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓમાં કુલ 144 વોર્ડમાંથી વોર્ડ દીઠ ચાર સભ્યો લેખે 526 સભ્યોની ચૂંટણી કરવા માટે 11477 જેટલા મતદાન મથકો ઉપર મતદાન થશે. 6 મહાનગરપાલિકાઓની આ ચૂંટણી માટે અંદાજે 1.11 કરોડ મતદારો નોંધાયેલા છે.

ઉપરાંત 81 નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 680 વોર્ડમાંથી વોર્ડ દીઠ ચાર સભ્યો લેખે 2720 સભ્યોની ચૂંટણી કરવા માટે 4,848 જેટલા મતદાન મથકો ઉપર મતદાન થશે. જેમાં અંદાજીત 46.79 લાખ મતદારો નોંધાયેલા છે. સાથે જ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી એક સાથે યોજાય છે. એક મતદારે બે મત આપવાના હોય છે. જેનું મતદાન 31345 જેટલા મતદાન મથકો ઉપર થશે. જેના માટે 2.50 કરોડ મતદારો નોંધાયેલા છે.

31 જિલ્લા પંચાયતના 980 મતદાર મંડળો માંછી 980 સભ્યોની ચૂંટણી થશે જ્યારે 321 તાલુકા પંચાયતોના 4778 મતદાર મંડળોમાંથી 4778 સભ્યોની ચૂંટણી થશે. આમ આગામી સમયમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 6419 વોર્ડ, મતદાર મંડળો માંથી 8402 સભ્યોની ચૂંટણી માટે અંદાજે 47695 મતદાન મથકો પર ચૂંટણી થશે. જેના માટે 4.04 કરોડ મતદારો નોંધાયેલા છે.

મતદાન માટે કેવી કરાઈ છે તૈયારી

કુલ મતદાનના 47695 મતદાન મથકો ઉપર અંદાજે 2.80 લાખ પોલીંગ સ્ટાફ, 1 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ, ઝોનલ ઓફીસરને તેમની ફરજના સ્થળે પણ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત કોરોનાને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જળાય તે ગણતરી મુજબની વધારાની એસટી બસ અને અન્ય વાહનોના કુલ 14000 જેટલા ડ્રાઈવર, ક્લીનર્સ, પ્યુનને ફરજ પર મુકવામાં આવશે. ઉપરાંત 3 લાખ જેટલા મતદાન એજન્ટ અને નોંધાયેલા 4.04 કરોડ મતદારો પૈકી મતદાન કરવા મથક સુધી આવે તેની સતત આવનજાવન મતદાન અધિકારીઓ સમક્ષ મતદાન દસ કલાકના સમય સુધી કરવાનું રહેશે. જેમાં મતદાન કક્ષમાં પોલીંગ સ્ટાફ અને એજન્ટ્સ સહિત 9થી 10 વ્યક્તિઓને પુરા સમય દરમિયાન ઉપસ્થિત રહેવાનું રહેશે અને મતદાન પૂર્ણ થયાથી ઈવીએમ, ચૂંટણી સાહિત્ય સહિતની ચીજો રિસિવિંગ સેન્ટર્સ પર જમા કરાવવાની રહેશે.