મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શિક્ષણ કાર્યો બંધ છે. લાંબા સમયથી હવે આ એક બાબત પર લોકોની મીટ મંડાઈ હતી કે શાળાઓ ક્યારથી ખુલવાની છે અને ખુલશે તો પોતાના બાળકો કોરોનાથી ભય મુક્ત રહી શકે તેવી શું વ્યવસ્થાઓ સરકાર સુજવવાની છે. આજે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની જાણકારી આપી છે કે, આગામી 23મી નવેમ્બરથી શાળાઓ ખુલશે. જેમાં ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ શરૂ થશે.

ભૂપેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવાી રહેશે. વાલીઓની લેખિત સંમતિ આ કાર્ય માટે જરૂરી છે. સાથે જ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23મી નવેમ્બરથી શિક્ષણની કામગીરીઓ શરૂ થઈ જશે. જે તબક્કાવાર રહેશે. શાળા અને કોલેજમાં આચાર્યોની ગાઈડલાઈન્સ ફોલો કરવાની જવાબદારીઓ રહેશે.


 

 

 

 

 


તેમણે કહ્યું કે કોલેજમાં પહેલા મેડિકલ, પેરામેડિકલ, પોસ્ટ ગ્રેજ્યુએટના વર્ગો શરૂ થશે. સાથે જ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ તથા એન્જિનિયરિંગમાં ફાઈનલ યરના વર્ગ શરૂ થશે. જોકે પોલિટેકનીક કોલેજીસ, આઈટીઆઈ પણ 23મીથી શરૂ થવા જઈ રહી છે. શાળા-કોલેજોએ કોરોનાને લગતી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ ધોવા માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાતની તામામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ, કસ્તુરબા બાલિકા વિદ્યાલય, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓ સહિત તમામ પર આ નિયમો એક સરખી રીતે લાગુ થશે. પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે પોતાના ઘરેથી જ લાવવાનું રહેશે. એક બીજા સાથે શેરિંગ થઈ શક્શે નહીં. રિવાઈઝ્ડ બેઠક વ્યવસ્થા. ઓડ ઈવન પદ્ધતિ દ્વારા પણ આયોજન કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં આ બાબત પર ચર્ચા થઈ હતી. ચર્ચા વિચારણા બાદ જે નિર્ણય કરવામાં આવ્યો તેની વિગતો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને વિભાવરીબેન દવેએ આપી હતી. રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યો ફરી તબક્કાવાર શરૂ થાય તેવા સરાકારના પ્રયત્નો છે. હજુ અન્ય શિક્ષણ વર્ગો અંગે પણ તબક્કાવાર જાહેરાતો સામે આવશે.