રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): શિક્ષણ ઘંધો બની જાય અને રાજકીય ઈશારે પોલીસતંત્ર પોતાની ફરજ  વિરુધ્ધનું કૃત્ય આચરે તો વાલીઓ કરે પણ શું ! ક્યાં ક્યાં ફરિયાદ કરે? શિક્ષણ સંસ્થાઓ જ છેતરપિંડી આચરતી હોય ત્યાં વિદ્યાર્થીઓ શું શીખે? 8 ડીસેમ્બર, 2016ના રોજ રાજકોટ શહેરની ચાર અલગ અલગ નામાંકિત સ્કૂલની સામે વાલીઓએ FIR દાખલ કરાવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની ‘સેન્ટ મેરી સ્કૂલ’; માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ‘મોદી સ્કૂલ’; તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ‘ધોળકિયા સ્કૂલ’; એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ‘ગોલ્ડન એપલ ઈન્ગલિશ મીડિયમ સ્કૂલ’ CBSC Affiliations-માન્યતા ધરાવે છે, તેવી ખોટી જાહેરાતો કરીને વાલીઓ પાસેથી વર્ષોથી ઊંચી ફી વસૂલ કરતી હતી. જેથી IPC કલમ-406/ 420/465/ 467/471/ 120B હેઠળ ચારેય પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ/વડોદરા/કચ્છમાં પણ CBSC કૌભાંડ અંગેની FIR નોંધાઈ હતી. સેન્ટમેરી/મોદી/ધોળકિયા સ્કૂલના સંચાલકોને; FIR નોંધતા જ રાત્રિના ત્રણ વાગ્યે પોલીસે એરેસ્ટ કર્યા; અને 2-3 કલાકમાં જ પોલીસે સંચાલકોને જામીન લઈ મુક્ત કરી દીધા ! જો આરોપી પાસે આર્થિક/સામાજિક/રાજકીય દરજ્જો હોય તો પોલીસના વ્યવહારમાં સહાનુભૂતિ છલકાતી હોય છે ! પોલીસનો કડવો વ્યવહાર તો સામાન્ય નાગરિકોના ફાળે આવતો હોય છે. જો 7 વરસ કે તેથી ઓછી સજાની જોગવાઈ હોય તો પોલીસ આરોપીઓને જમીનમુક્ત કરી શકે છે; પરંતુ IPC કલમ-467 હેઠળ ઓછામાં ઓછી 10 વરસ સજા અને વધુમાં આજીવન કેદની જોગવાઈ છે; છતાં પોલીસે સત્તાનો દુરુપયોગ કરીને કૌભાંડી સંચાલકોને જામીન ઉપર છોડી મૂક્યા ! કેટલા વરસથી/કેટલાં વિદ્યાર્થીઓ પાસેથી/ CBSCના નામે કુલ કેટલા નાણાં પડાવ્યા હતા? કાવતરામાં કોણ કોણ સામેલ હતું? ક્યા ક્યા ખોટા દસ્તાવેજો ઊભા કરેલ હતા? વગેરે મુદ્દાઓની તપાસ માટે રીમાન્ડ મેળવવાની જરુર હોવા છતાં પોલીસે આરોપીઓની રીમાન્ડ મેળવી નહીં ! તેથી વાલીઓમાં રોષ વ્યાપી ગયો. 

રાજકોટના જાગૃત નાગરિક એડવોકેટ સંજય પંડિતે ગુજરાતના DGPને ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવા અરજી કરી; ઉપરાંત ત્રણેય કેસના આરોપીઓના જામીન કેન્સલ કરાવવા સેશન્સકોર્ટમાં અરજી કરી. તે સમયે ત્રણેય કેસના આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજીઓ કરી. પોલીસે ત્રણેય કેસમાં પોલીસે એફિડેવિટ કરી કે ‘સ્કૂલ સંચાલકોએ ખોટા દસ્તાવેજો ઊભા કરી વાલીઓ સાથે છેતરપિંડી કરેલ છે; ગંભીર ગુનો કર્યો છે. જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો વાલીઓ રોડ ઉપર ઊતરી આવશે; ખૂબ આંદોલન થશે અને સામાન્ય જનમાનસ ઉપર વિપરિત અસર પહોંચશે.’ બે વર્ષ સુધી આગોતરા જામીન અરજી પેન્ડિંગ રહી. મોદી સ્કૂલના સંચાલકોની આગોતરા જામીન અરજીના કામે સેશન્સ કોર્ટે પોલીસને પૂછ્યું કે બે વર્ષમાં શું તપાસ કરી છે? ત્યારે પોલીસે 31 ઓગષ્ટ, 2018ના રોજ એફિડેવિટ કરીને કહ્યું કે ‘તપાસ દરમિયાન IPC કલમ-467 ગુનો બન્યો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા નથી !’ પ્રશ્ન એ છે કે બે વર્ષ પછી પોલીસે શીર્ષાસન કેમ કર્યું હશે? પોલીસે રાજકીય ઈશારે વગવાળા આરોપીઓની કેવી તરફેણ કરી ! દરમિયાન ધોળકિયા સ્કૂલ સંચાલકોએ ફરિયાદી સાથે સમાધાન કરીને હાઈકોર્ટમાં FIR રદ કરવા અરજી કરી અને હાઈકોર્ટે FIR રદ કરી ! ગોલ્ડન એપલ સ્કૂલના સંચાલકોએ પણ ફરિયાદીને રાજીરાજી કરીને પોતાની સામેની FIR રદ કરાવવા હાઈકોર્ટમાં પહોંચ્યા પણ હાઈકોર્ટે કહ્યું કે FIR રદ નહી થાય, સંચાલકો આગોતરા જામીન લઈ શકે છે ! પોલીસ કમિશ્નરે જૂન 2017માં, સંજય પંડિતને લેખિત જવાબ આપ્યો કે ગોલ્ડન એપલ સ્કૂલના સંચાલકો મળી આવતા નથી ! જો આરોપીઓ નાસતાફરતા હોય તો ‘વોન્ટેડ’ જાહેર કરવા તથા તેમની મિલકતોની જપ્તી માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? ટૂંકમાં જુલાઈ 2020 સુધી સંચાલકો સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી ! આનંદ પંડિતે આ કૌભાંડની તપાસ CBI મારફતે કે સ્વતંત્ર એજન્સી મારફતે કરાવવા માટે હાઈકોર્ટમાં પીટિશન કરી તો હાઈકોર્ટે કહ્યું કે પીટિશન પરત ખેંચી લો નહીંતો એક લાખનો દંડ ભરો ! પીટિશન પરત ખેંચવામાં આવી. આનંદ પંડિતે કૌભાંડીઓને છાવરનાર સામે પગલાં લેવા ગુજરાત સરકાર તથા PMO દિલ્હીને ફરિયાદ કરી; પરંતુ ત્રણેય PI તથા પોલીસ કમિશ્નર સામે કોઈ પગલા લેવાયા નહીં; ઉલટાનું PIને પ્રમોશન મળ્યા અને રાજકોટના પોલીસ કમિશ્નરને, વડોદરા પોલીસ કમિશ્નર તરીકે મૂકવામાં આવ્યા ! એકશન લેવાને બદલે ઈનામ આપવામાં આવ્યું ! રાજકીય ઈશારે કામ કરે તેને મલાઈદાર પોસ્ટિંગના મેવા મળે છે !

અહીં પ્રશ્ન એ છે કે સ્કૂલ સંચાલકો સામે 100 વાલીઓેએ ફરિયાદ કરી હોય અને તે પૈકી એક વાલીની FIR પોલીસ નોંધીને તપાસ કરે ત્યારે આ એક વાલી સાથે સંચાલકો સમાધાન કરીને હાઈકોર્ટમાં FIR રદ કરાવી દે તો બાકીના 99 વાલીઓને શું સમજવું? હાઈકોર્ટે એ જોયું નહી કે માત્ર એક ફરિયાદી સાથે છેતરપિંડી ન્હોતી થઈ; અસંખ્ય વાલીઓ ભોગ બન્યા હતા ! CBSCના નામે લાખો રુપિયાની લૂંટ કરવામાં આવી હતી ! સામૂહિક છેતરપિંડી/મહાકાય કૌભાંડમાં પોલીસે જ સરકાર તરફે ફરિયાદ આપવી જોઈએ; જેથી એકાદ ફરિયાદીને રાજી કરીને આરોપીઓ હાઈકોર્ટમાં જઈને FIR રદ કરાવી ન શકે. કૌભાંડીઓ જોડે નાણાં હોય તેથી મોંઘા વકીલો રોકીને હાઈકોર્ટમાં સરળ નાગરિકોને/વિક્ટિમને પછાડી દે છે. સાર એટલો જ કે રાજકીય ઈશારે પોલીસતંત્ર અને નાણાંના જોરે ન્યાયતંત્ર લાચાર બની જાય છે ! વાલીઓને છેતરીને લાખો રૂપિયાની ફી વસૂલ કરનાર જેલમાં જવા જોઈએ અને વસૂલેલ રકમ વ્યાજ સાથે વાલીઓને પરત કરવી જોઈએ તે મુદ્દા અંગે વહિવટીતંત્ર/પોલીસ/કોર્ટને; કાર્યવાહી કરવાની જરુર લાગતી ન હોય તો કોને કહેવું?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)