મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ જિલ્લા વાલી મંડળ પ્રમુખ દ્વારા ફી રેગ્યૂલેટરી કમિટી (એફઆરસી)ને આરટીઆઈ કરીને અમદાવાદની મોટી ફી ઉઘરાવતી શાળાઓને ઉંચી ફી કયા કારણસર મંજુર કરાઈ છે, તે અંગે ઓડિટ કરાયેલા હિસાબો માગવામાં આવ્યા હતા. જોકે એફઆરસી દ્વાર શાળા સંચાલકોને મેઈલ કરીને પુછવામાં આવ્યું કે આરટીઆઈ દ્વારા તમારી શાળાઓના હિસાબો માગવામાં આવે છે આપીએ કે નહીં?

અમદાવાદ જિલ્લા વાલી મંડળના પ્રમુખ આશિષ કણઝારિયાનું કહેવું છે કે, મોટી સ્કૂલમાં ઊંચી ફી મંજુર કરતી વખતે ક્યારેય વાલીઓને સ્કૂલ દ્વારા ખોટા ખર્ચ બતાવીને ફી કેટલી મંજુર કરવી કે તે બાબતે વાલીઓને પુછ્યું હોત તો સારું હોત. જાહેર ટ્રસ્ટના હિસાબો દર વર્ષે જાહેર કરવા જ પડે. ઉપરાંત પોતાની વેબસાઈટ પર એફઆરસીએ સ્કૂલ ફી મંજુર કરી હોય તેની માહિતી અને દર વર્ષના ઓડિટ હિસાબ મુકી પારદર્શકતાથી વાલીઓ જોઈ શકે તેવો પરિપત્ર પણ કર્યો હોવા છતાં તેનો અમલ થતો નથી.

એફઆરસી પર અગાઉ પણ ઘણા આક્ષેપો થયા છે કે તે શાળાઓની માહિતી છૂપાવી ખાનગી શાળાઓના સંચાલકોને પુછીને બધુ નક્કી કરે છે, એફઆરસી દ્વારા ખાનગી શાળાઓને પોષવામાં આવે છે અને તેમને શિક્ષણમાં લખલૂંટ કરવાની છૂટ આપવામાં આવે છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.