મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મહામારીના કારણે શિક્ષણ વ્યવસ્થા પર ભારે અસર પડી છે.  ૧૫ મહિના કરતા વધુ સમય શૈક્ષણિક સંકુલો બંધ રહ્યા એટલે કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ લેવા ફરજ પડી. જેમાં ૫૦ ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ શિક્ષણના સાતત્યથી વંચિત રહ્યાં. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં જોડાયા તેમને પણ લેખન, વાંચન અને ગણનમાં ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. જે ઓનલાઈન શિક્ષણની મર્યાદા છે. વર્ગખંડ શિક્ષણ વધુ અસરકારક અને વિશેષરૂપે ફાયદાકારક હોય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ કોર્સ ઘટાડવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને માગ કરી છે. મનીષ દોશીએ પત્રમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસક્રમ નક્કી કરવુ આવશ્યક છે. સી.બી.એસ.ઈ. દ્વારા ત્રણ મહિના અગાઉ અભ્યાસક્રમમાં ઘટાડો કરીને જાહેરાત કરી દીધી છે. હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ના અભ્યાસક્રમમાં ઘટાડા અંગે નક્કર જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણગણ પણ અવઢવ  મૂંઝવણમાં છે. દરેક વિષયનો અભ્યાસક્રમ નિશ્ચિત થઈ જાય તો પ્રકરણ દીઠ વિદ્યાર્થીઓ તે દિશામાં મહેનત કરી શકે. અનિર્ણાયકતાના કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને ચાર મહિના જેટલો સમય બાકી છે તેવા સમયે શિક્ષણ વિભાગ અને બોર્ડ દ્વારા નક્કર નિર્ણયના અભાવે રાજ્યના વિદ્યાર્થીઓની કારકિર્દી સામે મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે.

Advertisement


 

 

 

 

 

(૧) જુન - ૨૦૨૧-૨૨ નું શૈક્ષણિક સત્ર ૨૦ એપ્રિલના રોજ શરૂ થવાને બદલે કોરોનાના કારણે ફક્ત ચાલુ શૈક્ષણિક વર્ષ પુરતી ૮ જુન શાળાઓ શરૂ કરવાની તારીખ નિયત કરવામાં આવી હતી.
(૨) વર્ષોથી ગુજરાતની શાળાઓમાં ૨૦૦ દિવસ કે તેની આસપાસ વર્કિંગ ડે તરીકે રહેતા હોય છે, આમ ૨૦૦ માંથી ૫૦ દિવસો બાદ કરીએ તો ૨૦૨૦-૨૧ ના શૈક્ષણિક વર્ષમાં ફક્ત ૧૪૦ - ૧૫૦ દિવસનું શિક્ષણકાર્ય શક્ય થયુ હતું. તે પણ મહત્તમ ઓનલાઈન શિક્ષણ હતું. જેમાં ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શક્યા નથી. ગ્રામ્ય વિસ્તારની શિક્ષણની સ્થિતિ તો અતિ ગંભીર / ખરાબ છે.
(૩) પ્રત્યેક વિષયના અભ્યાસક્રમને શૈક્ષણિક દિવસોની તુલનામાં જોવામાં આવે તો, ઉપર જણાવેલ ગણતરી મુજબ ચાલું શૈક્ષણિક વર્ષ, એટલે કે ૨૦૨૧-૨૨ માં કુલ અભ્યાસક્રમનાં ૩૦ થી ૪૦ ટકા અભ્યાસક્રમને પ્રત્યેક વિષયમાં ઘટાડો કરવો પડે તેવુ અમારું માનવું છે.
(૪) ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ને ખાસ પ્રકારનું વર્ષ ગણીને ધો. ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોકડાઉનના સેટબેકમાંથી બહાર લાવીને પુનઃ ભણતા કરવાની આવશ્યકતા છે. તે દિશામાં સામૂહિક પ્રયાસો અતિ આવશ્યક છે.
(૫) ધો. ૯ થી ૧૨ માં પણ ગંભીરતાથી અભ્યાસક્રમ સંદર્ભે નિર્ણય લેવો આવશ્યક છે. જેની પાછળના સબળ કારણો નીચે મુજબ છે.
(અ) ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણકાર્યથી પ્રત્યેક વિષયમાં વિસ્તૃત શિક્ષણકાર્ય થયા નથી. ઓનલાઈન - ઓફલાઈન શિક્ષણમાં પણ મર્યાદિત વિદ્યાર્થીઓ જોડાય છે તે હકીકત છે.
(બ) ૩૦-૧૦-૨૦૨૧ સુધી ધો. ૯ થી ૧૨ ના વર્ગોમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ હતી આમ, આવા વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ગુમાવ્યો છે જે હકીકતનો સ્વીકાર કરવો રહ્યો.
(ક) રાજ્યની ઘણી બધી શાળાઓ પાસે મુખ્ય વિષયોના શિક્ષકો નથી જેની સામે પ્રવાસી શિક્ષકનો ઠરાવ ન થવાથી મહત્વના વિષયોના શિક્ષકો વગર પ્રથમ સત્ર પૂર્ણ થયું છે જ્યાં શૂન્ય અભ્યાસ થયો છે.
શિક્ષણકાર્યના કલાકો અને દિવસોની ગણતરી ધ્યાને લઈને અભ્યાસક્રમ ઘટાડા સંદર્ભે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ અને હજારો શિક્ષકો - શિક્ષણ વ્યવસ્થાના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે તેવી માગ કરવામાં આવી છે.