મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યાના અહેવાલ છે. તેઓનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમણે આજે જ ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે કોલવડા ખાતેની કોવીડ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટના ખાતમૂહુર્તમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેમના સંપર્કમાં આવ્યા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંતરી નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારા સમાચાર એ છે કે તેમની તબીયત સ્થિર છે જોકે છત્તાં તેઓને થોડા દિવસો તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રહેવું પડશે. હાલ તેમને અમદાવાદ ખાતેની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હવે તેમના સંપર્કમાં આવેલાઓને તુરંત પોતાનામાં કોઈ પણ લક્ષણો દેખાય કે તુરંત રિપોર્ટ કરાવી તબીબી સલાહ લેવાના સૂચન છે. આજે જ સવારે તેઓ કોલવડા ખાતેની કોવીડ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટના ઉદ્ઘાટમાં અમિત શાહ અને વિજય રુપાણી સહિતનાઓના સંપર્કમાં આવ્યા હતા.


 

 

 

 

 

સોશિયલ મીડિયા પર નીતિન પટેલે જાણકારી આપતાં લખ્યું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ સાથે હું યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

મળતી વિગતો પ્રમાણે નીતિન પટેલે કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. તેમની સારવાર ચાલી રહી છે અને તેમની તબીયત સારી હોવાની વિગતો મળી છે. કોલવડાના કાર્યક્રમ ઉપરાંત પણ નીતિન પટેલ અગાઉ અમદાવાદની સોલા અને મેડિસિટી સિવિલ હોસ્પિટલ, ભૂજ, દાહોદ, મોરબી, જામનગર, પાટણ સહિત ગુજરાતના ઘણા સ્થાનો પર કોરોનાની સ્થિતિ અને અન્ય લોકાઉપયોગી કામોને પગલે મુલાકાતો કરી ચુક્યા છે.