મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દ્વારકાના ભાણવડ તાલુકાના એક ગામમાં વરરાજા જ્યારે હેલિકોપ્ટર લઈને આવવાના હોવાની માહિતીએ જ લોકોમાં એક અજીબ એવો માહોલ બનાવી દીધો હતો. સોમવારે જ્યારે જાન આવી ત્યારે રીતસરનું ગામ ગાંડુ થઈ ગયું હતું. લોકો કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો સાવ ભૂલી જ ગયા હતા. લોકોના કીડીઓની જેમ ટોળા ઉમટી પડ્યા હતા. લગ્ન પણ એવા ભવ્યતાથી થયા હતા.

ભાણવડના સણખલા ગામ ખાતે વરરાજા હેલિકોપ્ટરમાં ઉતર્યા ત્યારે એક નજર માણી લેવા માટે લોકો દોડી આવ્યા હતા. લોકોના હૈયેથી હૈયા મળે એટલા ટોળા વચ્ચે વરરાજાની એન્ટ્રી થઈ ત્યારે સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચી ગઈ હતી. જાન ખંભાળિયાના મેવાણ ગામથી આવી હતી. ગોજિયા પરિવાર દ્વારા શાહી ઠાઠ માઠ સાથે ભવ્યતાથી લગ્ન યોજાયા હતા અને મહેમાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકો આ ભવ્યતામાં એવા છકી ગયા હતા કે કોરોના મહામારી અને તેની ગંભીરતા સાવ ભૂલી ગયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકીય માહોલમાં પણ થતી રેલીઓએ લોકો વચ્ચે એક અયોગ્ય મેસેજ પણ પહોંચાડવાનું કામ કર્યું છે કે નેતાઓની રેલીઓને નથી નડતો તે કોરોના આપણા પ્રસંગોમાં કેવી રીતે નડે. આવી માન્યતાએ કોરોનાની ગંભીરતાને ઘણા માનસમાંથી ભૂંસી નાખવામાં મોટો ભાગ ભજવ્યો છે.