મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પશ્ચિમ બંગાળમાં થયેલા ડોક્ટર્સ પર થયેલા હુમલાની ઘટના બાદ દેશભરમાં સરકારી હોસ્પિટલ્સના ડોક્ટર્સ બંગાળના ડોક્ટર્સના સમર્થનમાં હડતાલ અને વિરોધ પ્રદર્શનમાં જોડાઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 28 હજાર ડોક્ટર્સ પણ જોડાયા છે. જો કે ગુજરાતના ડોક્ટર્સને આ હડતાલમાં ન જોડાવાની રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે અપીલ કરી હતી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત 15 જૂનના રોજ પ્રેસનોટ જાહેર કરી હતી તેમજ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ સહિત સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મુકી અપીલ કરી હતી કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં ડોક્ટર્સ પર થયેલ હુમલાના વિરોધમાં ગુજરાતના ડોક્ટરોએ તા. 17-6-2019ના રોજ હડતાલ પાડવાનું એલાન આપ્યું છે. તે સંદર્ભે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાતના ડોક્ટર્સ હડતાલ ન પાડે તેવી અપીલ કરું છું. ગુજરાતના ડોક્ટરોની આ ઘટના બાબતની લાગણી ભારત સરકારને તેમજ પશ્ચિમ બંગાળ સરકારને ગુજરાત સરકાર તરફથી પહોંચાડીશું. ફરી, ગુજરાતના ડોક્ટર્સ આ હડતાલ ન પાડે તેવી વિનંતી છે.

જો કે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નીતિન પટેલની આ વિનંતીને ગુજરાતના ડોક્ટર્સે માની નથી અને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિતના શહેરોની સરકારી હોસ્પિટલ્સના ડોક્ટર્સ આજે હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી વિભાગ બંધ રખાયા છે જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ઇમરજન્સી વિભાગમાં કામગીરી જારી છે.