જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): સમગ્ર દેશમાં આજે અયોધ્યામાં આવેલા રામમંદિરના ભૂમિપૂજનને લઈને ઉત્સાહનું અનોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આ અંગે એક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી વિવાદિત રહેલા આ મામલે ગુજરાત રાજ્યમાં કયાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ કે આતંકી કૃત્ય ન બને તે માટે સમગ્ર રાજ્યની પોલીસને આજે સવારે સ્ટેન્ડ ટુ પોઝિશનમાં રાખી દેવામાં આવી છે. તાજેતરમાં નિયુક્ત થયેલા ગુજરાત પોલીસનાં નવા  DGP આશિષ ભાટિયાએ રાજ્યનાં તમામ પોલીસ કમિશનોરેટ તથા જિલ્લાનાં એસપીને વધારે સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા રાજ્યની તમામ પોલીસને "સ્ટેન્ડ ટુ" રહેવા માટે ગઈકાલે મંગળવારે ફેક્સ દ્વારા આ અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં અયોધ્યા ખાતે રામમંદિરનું ભૂમિપૂજન થવાનું હોવાને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અનિવાર્ય ફરજ સિવાયનાં અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ સાથે બુધવાર સવારે સાત વાગ્યાથી જ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી "સ્ટેન્ડ ટુ"માં રાખવાનો ઓર્ડર કરવામાં આવેલો છે.

કાયદો અને વ્યવસ્થાનાં પોલીસ મહાનિરીક્ષક (IGP) નરસિમ્હા કોમરે DGનાં આ હુકમ અંગે પોલીસની તમામ રેન્જના વડા સહિત સીઆઇડી ઇન્ટેલિજન્સનાં અધિક પોલિસ મહાનિર્દેશકને પણ સતર્ક રહેવાનાં આશયથી આ અંગે જાણ કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનો મુદ્દો પહેલાથી જ અતિ સંવેદનશીલ રહેલો છે ત્યારે આવી સ્થિતિનો લાભ ન ઉઠાવે તે માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલિસ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.