દેવલ જાદવ (મેરાન્યૂઝ.વડાલી): સામાન્ય રીતે લગ્ન એ હર્ષોલ્લાસ અને ખુશીનો પ્રસંગ હોય છે પણ જ્યારે લગ્ન પોલીસ છાવણીમાં ફેરવાઇ જાય ત્યારે લગ્નના ઘરમાં સામાન્ય રીતે ભયનો માહોલ હોય છે. પણ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભાજપુરા ગામના એક પરિવારે પોતાના ઘરમાં લગ્નમાં સામેથી પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. ભાજપૂરા ગામમાં સામાન્ય રીતે પટેલ સમાજની બહુમતી હોવાને કારણે એક દલિત પરિવારના લગ્નમાં વરઘોડો કાઢવાની તેમને ગામ તરફથી પરવાનગી આપવામાં આવી નહીં. ઘણા બધા પ્રયત્નો કર્યા બાદ પરિવારે પોલીસના પ્રોટેક્શન સાથે વરઘોડો કાઢવાનું નક્કી કર્યું.

દુર્લભ નરેશભાઈ સુતરીયા મૂળ ભાજપુરના વતની છે અને ઇડરમાં રહે છે. દુર્લભના લગ્ન હોવાના કારણે નરેશભાઇની ઈચ્છા હતી કે વરઘોડો કાઢીને તેમના પુત્રના લગ્ન કરે. તેમણે ગામના અન્ય જાતિના આગેવાનો અને સરપંચ પાસે પરવાનગી લેવના પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા મળી નહીં. તેમણે ઇડર આર્ટસ અને કોમર્સ કોલેજના નિવૃત્ત અધ્યાપક છે. પોતે કાયદાના જાણકાર હોવાના કારણે છેલ્લે તેમણે પોલીસ તંત્રની મદદ લેવાનું નક્કી કર્યું.


 

 

 

 

 

પોલીસમાં અરજી કરતા તેમને ૭૦ પોલીસનું પ્રોટેક્શન મળ્યું. સાબરકાંઠાના DySP દિનેશસિંહ ચૌહાણ જણાવે છે કે," કોઈ ગામમાં આવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. જ્યારે જ્યારે અમને કોઈ આવી જાણકારી મળે ત્યારે તરત જ અને આરોપી સામે કાર્યવાહી કરીએ છે. નરેશભાઈએ જ્યારે પ્રોટેક્શન ની માંગણી કરી ત્યારે અમે કોઈ ઇસમો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે ૧ DySP ૧ પોલીસ ઇન્સ્પેક્ટર ૭ પોલીસ સબ ઇન્સ્પેકટર અને અન્ય ૬૦ જેટલા પોલીસનો ત્યાં બંદોબસ્ત ગોઠવ્યો છે. ગામના આગેવાનો સાથે પણ અમે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને."

૨૧મી સદીમાં પણ આપણા દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ સમસ્યાનો ભોગ બનવું પડે છે. આજે પણ તેમણે જો એક વરઘોડો કાઢવા માટે જો પોલીસ તંત્રની મદદ લેવી પડે તો આપણે એક સમાજ તરીકે નિષ્ફળ રહ્યા છે એવું કહેવાય.