જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): સરહદ પર શહીદ થતાં જવાનને યાદ કરતા અનેક લોકોને આપણે જોયા છે, જેમાં નેતા, અધિકારીઓ અને આગેવાનોનો પણ સમાવેશ થતો હોય છે, પણ અરવલ્લી જિલ્લાના એક જવાનની એવી ગાથા છે કે, છેલ્લા દસ અગિયાર વર્ષથી ક્યાં છે, તેનો કોઇ જ પત્તો નથી જીલ્લા પોલિસ પણ જવાનને શોધવામાં રસ દાખવતી નથી. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના સી આર પી એફ જવાન છેલ્લા અગીયાર વર્ષથી ગુમ થયો હોવા છતાં તંત્ર કોઇ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યા છે. સીઆરપીએફ જવાન ગુમ થવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બીજીબાજુ સીઆરપીએફ જવાન વર્ષોથી ફરજ પર હાજર ન થતા ફરજ મોકૂફીનો આદેશ પણ કચેરીએ કરી દીધો હોવાથી પરિવારજનોને સરકારી લાભથી પણ વંચિત રહેવાનો વારો આવતા પરિવારની હાલત દયનિય બની છે. હજુ પણ સીઆરપીએફ જવાનની ભાળ મેળવી આપવા પરિવારજનો દર દર ભટકી રહ્યા છે, ત્યારે નવનિયુક્ત જીલ્લા પોલીસવડા સંજય ખરાત ૧૧ વર્ષથી રહસ્યમય રીતે ગુમ થયેલ સીઆરપીએફ જવાનને શોધી કાઢવામાં મદદ કરે તેવું પરિવારજનોમાં માંગ ઉઠી છે.


 

 

 

 

 

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ગરીબ કુટુંબમાં જન્મ લઈ દેશની સુરક્ષા માટે સીઆરપીએફ-૭૩ બટાલિયનમાં ભરતી થનાર  કોદરભાઈ ખુમાભાઈ ખાંટ દેશની સુરક્ષા માટે અલગ અલગ વિસ્તારમાં ૧૯૯૨ થી ફરજ અદા કરી રહ્યા હતા. શ્રીનગરમાં ફરજ દરમિયાન માનસિક બીમાર થતા દિલ્હી સ્થિતિ સૈનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા બાદ થોડા દિવસોમાં રેલ્લાવાડા વતન પરત ફરતા પરિવારજનો આશ્ચર્યમાં ગરકાવ થવા સાથે હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી તેમના ખાતામાંથી કોદરભાઈને ફરજ પર મોકલવા જણાવતા વર્ષ ૨૦૦૯માં કોદરભાઈ ઘરેથી નોકરી જવા માટે નિકળ્યા અને પરિવારજનો શામળાજી સુધી મુકવા ગયા, એટલું જ નહીં ઇડર સુધી કોદરભાઈએ છેલ્લીવાર પરિવારજનો સાથે વાત કરી, ત્યારબાદ કોદરભાઈનો સંપર્ક કપાઈ ગયો, જે આજે ૧૧ વર્ષ સુધી સંપર્ક વિહોણા થઇ ગયા, પણ પોલિસને આ પરિવારજોનેના થર થર કાંપતા કાળજા પર દયા પણ ન આવી હોય તેવું લાગી રહ્યું છે. જવાનની જાણે કોઇ જ કિંમત ન હોય તેમ પોલિસ ફાઈલ ધૂળ ખાતી મુકીને આરામથી બેસી ગઇ હોય તેમ લાગી રહ્યું છે.

સીઆરપીએફ જવાન કોદરભાઈની રાહ જોઇને આજે પણ પત્નિ, તેમની એક દીકરી અને ત્રણ દિકરા રાહ જોઇને બેઠા છે કે હમણાં આવશે દિવસ ઉગે તે આથમે ત્યાં સુધી પરિવારજનો સીઆરપીએફ જવાન પરત ફરે તેવી આશાએ ગામની સીમ તણે ચાતક નજરે રાહ જોઈ રહે છે. સીઆરપીએફ જવાન કોદરભાઈના ભાઈ પોલિસ સ્ટેશનના ચક્કર લગાવી લગાવીને ચપ્પલ ઘસાઈ ગયા, પણ ભાઈ ન મળ્યો પોલિસને રજૂઆતો કરી કરીને આર્મી જવાનનો પરિવાર થાકી ગયો, પણ પોલિસને જવાનને શોધવામાં કોઇ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. પોલિસની ઢીલી કામગીરીને કારણે હવે પરિવારજનોએ પોલિસ પરથી આશા પણ છોડી દીધી છે.


 

 

 

 

 

પરિવારજનો કઈ રીતે દિવસો પસાર કરી રહ્યા છે એ જોવાનો સમય ન તો જવાબદાર તંત્ર કે પછી જીલ્લા પોલીસતંત્રની પાસે નથી, ત્યારે ખોવાયેલા જવાનની પત્ની રડી રડી હાલત ખરાબ થઇ ગઈ છે. પત્ની માટે પતિ કહેવા માટે તો દેશ સેવક છે, વીર જવાન છે, મા ભોમની રક્ષા કરનાર છે, પણ સરકારી તંત્ર માટે જાણે કંઇ જ ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી લાપતા થતાં આર્મીના જવાનને તમે શોધી નથી રહ્યા અથવા તો બીજી કોઇ જ કાર્યવાહી નથી કરી રહ્યા છે. જેથી આ પરિવાર આજે દુખના દરિયામાં સમાઈ ગયો છે.

તમને કોકિલાબહેનના આંસુ પર વિશ્વાસ ન થતો હોય તો કાંઇ નહીં, પણ આ બાળકીનો તો જરા વિચાર કરો...

છેલ્લા ૧૧ વર્ષથી આમ ને આમ, પિતાનો વિચાર કરીને માતા અને બાળકી આમ જ રડ્યા કરે છે, પણ ખાખીધારી અધિકારીઓ ખુરશી પર બેઠ્યા પછી ઉઠવાનું નામ જ નથી લેતા, તો તપાસ ક્યાંથી થાય, આવી કેટલીય ફાઈલો ધૂળ સાથે તિજોરીમાં દફન થઇ ગઇ, એકવાર દફન થઇ ગયા પછી કોણ ખબર ક્યારે કયા અધિકારી તેની ધૂળ ઝાપટશે, પણ આ એક સામાન્ય પરિવાર નથી, વીર જવાન પતિની રાહ જોઇને પત્નિ-સંતાનોની આંખોના આંસુ છલકાવાનું બંધ નથી કરતા, પણ વીર ક્યાં છે તેનો જવાબ કોઇની પાસે નથી. આજે તેમના સંતાનોને ભણાવવા બે સમય જમાડવા સહિતના કાર્યોમાં તેમને જે મુશ્કેલીઓ નડી રહી છે તે જોઈને પણ કંપારી છૂટી જશે.