મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે નવા આવતા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં માત્ર ૨૮ જ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં એક પણ મૃત્યુ કોરોનાને કારણે થયું નથી. જ્યારે આજે કોરોનાની સારવાર લઈ રહેલા ૩૯ દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. જેની સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ ૯૮.૭૫% થયો છે. આજે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ ૨૭૪ છે જેમાંથી ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે બીજા ૨૬૯ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે.

આજે ગુજરાતમાં ૨૫ જિલ્લાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે અમરેલી, ભાવનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ , મોરબી ,સાબરકાંઠા, વડોદરા, અને સુરતમાં એક એક જ નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુજરાતમાં સૌથી વધારે સુરત કોર્પોરેશનમાં ૭ કેસ નોંધાયા હતા. અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનમાં ૩-૩ કેસ નોંધાયા હતા અને દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન અને દાહોદમાં ૨-૨ કેસ નોંધાયા હતા.

Advertisement


 

 

 

 

 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં આજે મુખ્યમંત્રીની કોર કમિટીની બેઠકમાં કોરોનાની ગાઈડલાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૩૧ જુલાઈથી રાત્રિ કર્ફ્યુંમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવશે. રાત્રિ કર્ફ્યુંનો સમય હવે રાત્રે ૧૧ વગેથી સવારે ૬ વાગે સુધીનો રહેશે. જાહેર સમારોહમાં પણ હવે ૨૦૦ની જગ્યાએ ૪૦૦ વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે. નજીકમાં આવી રહેલા ગણેશોત્સવની પણ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે પરંતુ વધુમાં વધુ ૪ ફૂટ સુધીની જ મૂર્તિ રાખી શકાશે.

કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની તકેદારી રાખવાને બદલે સરકાર દ્વારા આવાં સમારોહ અને તહેવારોની છૂટ આપવામાં આવે તે કેટલું યોગ્ય છે તે વિચારવું રહ્યું.

(અહેવાલ સહાભાર: દેવલ જાદવ)