બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ):ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એકસો પાંત્રીસ વર્ષ જૂના કૉંગ્રેસ પક્ષ માટે આ પ્રોજેક્ટ મતદાનના બોંતેર કલાક પહેલા હજી પણ પાઇપલાઇનમાં છે. ધારાસભ્યો ઉપરાંત હવે તેને ઉમેદવારોને પણ રિસોર્ટ નામના લોકરમાં સંતાડવા – સાચવવા પડે છે. બીજી તરફ ચાલીસ વર્ષ જૂનો ભારતીય જનતા પક્ષ પાઇપલાઇનના સામા છેડે પહોંચી ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની 8,473 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય એ પહેલા 219 બેઠકો પર ભાજપના ઉમેદવારો બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ શહેરોની મહાનગરપાલિકા – મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણીઓ આ સાથે યોજાઈ રહી છે. તેમાંથી અમદાવાદ શહેરના નારણપુરા વોર્ડના ભાજપના મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતી બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. 192 બેઠકોમાંથી અમદાવાદમાં હવે 191 બેઠકો પર જ રવિવાર 21મી ફેબ્રુઆરી 2021ના રોજ મતદાન યોજાશે. રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાંથી કૉંગ્રેસ પક્ષે હાથ ખંખેરી લીધા પછી 2021ના પ્રારંભે બીનહરીફ બેઠકોનો બસો બાવીસે પહોંચેલો સરવાળો કોઈ પણ સમયે ફેરફારને આધીન છે.


 

 

 

 

 

કૉંગ્રેસ પક્ષે દુઃખી થવાનું કારણ નથી, કેમ કે કેટલુંક દુઃખી થવું. ભાજપે રાજી થવા જેવું નથી કેમ કે ટિકિટ વહેંચણીમાં અસંતોષ પછી પક્ષને ‘ઘરના જ ઘાતકી’ થાય એવો પહેલો ડર સતાવે છે. પહેલા તેમને ‘ડબલિયા’ તરીકે નિર્દોષપણે ઓળખવામાં આવતા હતા. ‘ડબલિયા’ હવે નિર્દોષ રહ્યા નથી અને એક કદમ આગળ વધ્યા છે. તેઓ હવે કોઈ પણ રાજકીય પક્ષના તંબુમાં જઈ પહોંચે છે. કેટલાક એવા છે જેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો તંબુ નાનો લાગે છે. રાજકારણ અને રાજકીય પક્ષ પ્રવેશના પહેલા દિવસથી વિધાનસભા – લોકસભાનું ઊંચું લક્ષ્ય રાખીને બેઠેલા ગ્રોસબંધ કાર્યકરો – નેતાઓનું ભાજપમાં અલગ સંગઠન બને તેમ છે. એવા કેટલાક કાર્યકરો 2020માં પણ આ ચૂંટણીઓ લડવાની દરખાસ્ત નકારી ચૂક્યા છે. તેમના મતે ‘આ ઑફર એમના માટે નાની અને મોડી છે’.

ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય અથવા પ્રમુખ – ઉપપ્રમુખ તેમજ સમિતિ હોદ્દેદાર, નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ – ઉપપ્રમુખ તેમજ સમિતિ હોદ્દેદારથી લઇને મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કાઉન્સીલર, મેયર કે અન્ય હોદ્દેદાર રહ્યા હોય એવા અગણિત લોકો રાજકારણમાં આગળ વધતા વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાના સભ્ય થયા હોય એવા દાખલા મળે છે. અહીં પ્રસ્તુત છે એવા કેટલાક લોકોની વાત જેઓ રાજકીય કારકિર્દીના પ્રારંભે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને રાજકારણમાં આગળ આવ્યા.

આવી વ્યક્તિઓમાં સૌથી પહેલું નામ ગુજરાત ભાજપના નેતા, પ્રદેશ પ્રમુખ અને બે વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઈ પટેલનું લેવું પડે. 1970 આસપાસ તેઓ રાજકોટ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને વિરોધપક્ષના નેતા થયા હતા. 1975માં પહેલી વાર રાજકોટના જનસંઘના ધારાસભ્ય થયા. ગુજરાત સરકારમાં 1975 અને 1990માં એમ બે વાર મંત્રી થયા પછી 1995 અને 1998માં ગુજરાતના મુખ્યમંત્રી થયા. એ પછી 2002 થી 2008 રાજ્યસભાના સભ્ય થયા. વર્ષ 2012માં ભારતીય જનતા પક્ષથી અલગ થઈ ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને તેના પણ ધારાસભ્ય થયા. ઑક્ટોબર 2020માં અવસાન પામ્યા એ સમયે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા.


 

 

 

 

 

બીજું નામ સુરેશચન્દ્ર મહેતાનું લેવું પડે. 1960માં માંડવી નગરપાલિકાના સભ્ય થયા. એ પછી 1970 આસપાસ માંડવી નગરપાલિકામાં સત્તાધારી પક્ષ જનસંઘ અને સ્વતંત્ર પક્ષના નેતા હતા. 1975માં પહેલી વાર માંડવી-કચ્છના જનસંઘના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એ પછી બરાબર વીસ વર્ષે 1995માં માત્ર એક વર્ષ માટે ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી થયા. સમય જતા ભાજપથી અને સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા. દક્ષિણ ગુજરાતના નેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા કાશીરામ રાણા પણ આ શ્રેણીમાં આવે. 1975માં પહેલી વાર સુરતના ધારાસભ્ય તરીકે જનસંઘમાંથી ચૂંટાઈ આવ્યા. એ પછી સુરતના મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ 1983 થી 1988 વચ્ચે ત્રણ વખત સુરત શહેરના મેયર થયા હતા. 1989માં સુરત લોકસભા બેઠકના સંસદસભ્ય થયા તેમજ 1998 થી 2004 કેન્દ્ર સરકારમાં અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં ટેક્ષ્ટાઇલ મંત્રી પદે રહ્યા.

અમદાવાદ – કાંકરિયા સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડના સભા સ્થળે ભાજપના પ્રભાવી વક્તા અટલ બિહારી વાજપેયીનું આગમન થાય એ પહેલા તેમની છટામાં વક્તવ્ય આપીને લોકોનો રસ, જોમ-જુસ્સો જાળવી રાખવાનું કામ કરતા કિશોર વયના હરીન પાઠક સમય જતા વડાપ્રધાન વાજપેયીના પ્રધાનમંડળનો હિસ્સો થયા. કેવી રીતે એવો સવાલ થાય તો તેનો જવાબ છે હરીનભાઈ પાઠક 1975માં અમદાવાદના મ્યુનિસિપલ કાઉન્સીલર થયા. પંદર વર્ષ નગરસેવક રહ્યા પછી 1989માં અમદાવાદ લોકસભા બેઠકના સંસદસભ્ય તેમજ 1999માં કેન્દ્ર સરકારમાં સંરક્ષણ રાજ્યમંત્રી થયા.

ગુજરાતમાં કાર્યરત રહ્યા હોય એવા દરેક રાજકીય પક્ષના સભ્ય રહી ચૂકેલા નરહરી અમીનનું નામ પણ આ યાદીમાં સામેલ પામે. 1980માં તેઓ જનતા પાર્ટીમાંથી અમદાવાદના મ્યુનિસિપલ કાઉન્સીલર થયા હતા. એ પછી જનતા દળમાંથી 1990માં અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ 1994માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી થયા ત્યારે કૉંગ્રેસમાં હતા. એ પછી વધુ એક અને સંભવતઃ છેલ્લો પક્ષપલટો કરીને જૂન 2020માં ભારતીય જનતા પક્ષમાંથી રાજ્યસભાના સભ્ય લેખે ચૂંટાઈ આવ્યા.


 

 

 

 

 

તો ચાલો હવે આ યાદી જ્યાંથી શરૂ થઈ અને હાલ ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં જે શહેર છે એ સૌરાષ્ટ્રના રાજકોટમાં પાછા જઇએ. વાતની શરૂઆત એવરગ્રીન રાજકારણી વજુભાઈ વાળાથી કરીએ. એક સ્પષ્ટતા કરવાની કે વજુભાઈ વાળા બંધારણીય પદ પર રહેતા હાલ સક્રિય રાજકારણથી દૂર છે. તેઓ 1975માં રાજકોટના મ્યુનિસિપલ કાઉન્સીલર થયા. 1983 અને 1991માં એમ બે વાર રાજકોટના મેયર થયા. એ દરમિયાન 1990માં પહેલી વાર ગુજરાત સરકારના મંત્રી થયા. નાણા મંત્રી લેખે સૌથી વધુ અઢાર વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યા પછી ડિસેમ્બર 2012માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા. એ પછી સપ્ટેમ્બર 2014માં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ પદે નિમણૂક થઈ. રાજ્યપાલ પદે છ વર્ષથી લાંબો સમય પદ પર બની રહેનારા અને હાલ કાર્યરત તેઓ ભારતીય જનતા પક્ષના પહેલા પૂર્વ હોદ્દેદાર ગણાય છે. અને આ ક્રમમાં છેલ્લું નામ હાલ કોરોનાની સારવાર લઈ રહેલા વિજય રૂપાણીનું મુકવું પડે. 1987માં તેઓ રાજકોટના મ્યુનિસિપલ કાઉન્સીલર થયા. 1996માં એક વર્ષ માટે રાજકોટના મેયર થયા. 2006માં છ વર્ષ માટે રાજ્યસભાના સભ્ય થયા. એ પછી 2014માં રાજકોટના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં મંત્રી થયા. ઑગસ્ટ 2016માં ગુજરાતના મુખ્યમંત્રી થયા. ભારતીય જનતા પક્ષમાંથી ગુજરાતના મુખ્યમંત્રી પદે સાડા ચાર વર્ષ જેવા લાંબા સમયથી હોદ્દા પર રહેવામાં તેઓ હવે બીજા ક્રમે ગણાવા લાગ્યા છે. પ્રથમ ક્રમે નરેન્દ્ર મોદી.

નરેન્દ્રભાઈનું નામ લીધું જ છે તો જણાવી દઈએ કે 1987માં તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંગત કારણોસર અનિચ્છા પ્રકટ કરી હતી. એ પ્રમાણે આ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સઘળો ભાર વહન કરી રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના સંસદસભ્ય ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલ ઉર્ફે સી. આર. પાટીલે પણ તેમની રાજકીય કારકિર્દીના પ્રારંભે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. 25મી ડિસેમ્બર 1989ના રોજ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુરતમાં તેમની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા સી.આર. પાટીલે ત્રણ વર્ષ પછી 1992માં યોજાનારી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જો કે બાબરી મસ્જિદ ધ્વંસને કારણે દેશભરમાં ઉદ્ભવેલી તંગ પરિસ્થિતિને લઈ આ ચૂંટણી રદ કરવામાં આવી હતી. એ પછીના વર્ષે આ ચૂંટણી માટે નવેસરથી જાહેરનામું બહાર પડ્યું ત્યારે સી.આર. પાટીલે ઉમેદવારી નોંધાવી નહોતી. આમ સી.આર. પાટીલે રાજકીય કારકિર્દીની શરૂઆતમાં સુરતના નગરસેવક થવાની તક નિયમને આધીન ગુમાવી હતી એમ કહી શકાય. જો કે એ પછી તેમણે પક્ષમાં અનેક પદો મેળવ્યા.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)