મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં 24 કલાકના સમય ગાળા દરમિયાન નવા 395 કેસ કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું છે જોકે ઉપરાંત 25 વ્યક્તિ મૃત્યુ પણ પામ્યા છે. ગુજરાતના કુલ કોરોના પોઝિટિવ કેસ 12141 થઈ ગયા છે. હાલની સ્થિતિએ આજે વધુ 239 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ કુલ 5043 લોકો સાજા થઈને ઘરે ગયા છે જ્યારે કુલ 719 વ્યક્તિના કોરોનાએ ભોગ લીધા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 262, સુરતમાં 29, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, કચ્છમાં 21, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5, ખેડા-પાટણ-ભરૂચમાં 4-4, બનાસકાંઠા-મહીસાગર-ગીરસોમનાથ- જૂનાગઢમાં 3-3, ભાવનગર-રાજકોટમાં 2-2, અરવલ્લી-તાપી અને છોટા ઉદેપુરમાં 1-1 પોઝિટિવ કેસ એમ કુલ મળીને 395 કેસ નોંધાયા છે. હજુ 49 દર્દીઓ ગંભીર હાલતમાં છે. જે 25 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા તેમાં અમદાવાદના 21, સુરતના 2 અને ગાંધીનગર-અરલવલ્લીના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ જિલ્લામાં કોરોનાના પોઝેટીવ દર્દીઓનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. મંગળવારના રોજ બાયડના આંબલિયારા પીએચસી કેન્દ્રના ૩ આરોગ્યકર્મીઓ, બાયડના ટોટુ ગામનો પુરુષ, મેઘરજનો ૨૦ વર્ષિય યુવક તેમજ ભિલોડા તાલુકાના વાંસડી ગામે એક કેસ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી છે. મંગળવારે નવા છ કેસ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં જિલ્લાનો આંક ૮૮ પર પહોંચ્યો હતો. 

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે. જો કે અગાઉ ત્રણ ચાર દિવસની રાહત કોરોનાએ આપ્યા બાદ રવિવારથી ફરી પોઝીટીવ કેસો આવી રહ્યા હોય તેમ રવિવારે મોડાસા અને બાદમાં સોમવારના રોજ ભિલોડા તાલુકાના વાંસડી ગામે ૪૮ વર્ષિય પુરુષ, ૧૭ વર્ષની તરૂણી અને ૧૫ વર્ષના તરૂણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મંગળવારના ભિલોડા તાલુકાના વાંસડી ગામે રોજ એક નવો કેસ કોરોના પોઝીટીવ નોંધાયો હતો જેમાં ૪૨ વર્ષની એક મહિલાને કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો. જ્યારે બાયડ તાલુકાના આંબલિયા ગામના પીએચસીમાં ત્રણ આરોગ્યકર્મીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. અન્ય કેસમાં બાયડના ટોટુ ગામે પણ એક પુરુષનો કેસ પોઝીટીવ આવ્યો છે અને મેઘરજ તાલુકાના લાલોડીયા ગામે એક ૨૦ વર્ષિય યુવકને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ૮૮ કેસ કોરોના પોઝટીવ નોંધાયા છે. એક તરફ સરકાર લોકડાઉન-૪માં રાહત આપી છે અને બીજી બાજુ કેસોમાં વધારો થતો જાય છે ત્યારે સરકાર માટે પણ આકરી કસોટી છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં જે પોઝીટીવ કેસ નોંધાયા છે તેમાંથી અત્યાર સુધીમાં ૭૫ દર્દીઓ કોરોનાને હરાવીને જંગ જીત્યા છે અને ૭૫ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.