મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે એક જ દિવસમાં કોરોનાના ૧૩૯ કેસ પોઝિટિવ આવ્યા છે ૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરાનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. ૫ લોકો કોરોના સામે જંગ હારી જતા મોત નિપજતા ચકચાર મચી છે. આજે એક જ દિવસમાં અમદાવાદમાં ૯૯, સુરતમાં ૨૨, વડોદરામાં ૧૪ અને અરવલ્લી જિલ્લામાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કુલ ૧૭૪૩ કોરોના દર્દીઓ નોંધાયા છે. અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના છેવાડીયા ગામમાં અમદાવાદના નરોડાથી આવેલી ૪૦ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યા પછી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના વધુ ૫ લોકો કોરોનાગ્રસ્ત બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં આંતરરાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરી હોવાના દાવાઓ થઈ રહ્યા છે. તેમ છતાં મોટા પ્રમાણમાં લોકો અન્ય રાજ્ય, જિલ્લા અને કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ચુક્યા છે. તે ગમે તે ઘડીએ જિલ્લાવાસીઓ માટે કોરોના બૉમ્બ સાબિત થઈ શકવાની સંભાવના વચ્ચે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાકમાં ૬ લોકો કોરોનાના અજગરી ભરડામાં સપડાતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય તંત્રએ તમામ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં થર્મલસ્ક્રિનીંગ અને સર્વેની કામગીરી હાથધરી દીધી છે. વહીવટી તંત્રે કોરોનાગ્રસ્ત વિસ્તારને ત્રણ કિમિ વિસ્તારમેં કોન્ટેન્ટમેન્ટ જાહેર કરી પ્રવેશબંધી ફરમાવી દીધી છે.

ધનસુરા તાલુકાના છેવાડીયા ગામની ૪૦ વર્ષીય મહિલા કોરોનમાં સપડાયા ગણતરીના કલાકોમાં મોડાસા તાલુકાના નંદીસણ ગામના ૪ વર્ષીય બાળકી, ૬૦ વર્ષીય મહિલા, ૫૫ વર્ષીય આધેડ અને રાજલી ગામનો ૨૨ વર્ષીય યુવક અને મેઘરજ તાલુકાના લીંબોદરા ૨૬ વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે.