મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં ભરતીના અભાવે ઘણા ઉમેદવારોમાં ચિંતાનો માહોલ છે. જ્યાં એક તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં 10000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી રહી છે. ત્યાં ટેટ પાસ કરીને બેઠેલા 47000 ઉમેદવારો નોકરી માટે બેકારીનો સામનો કરી રહ્યા છે. તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા તે ઉમેદવારોને નોકરી આપવા અને ભરતી પ્રક્રિયાને યોગ્ય કરવાના મામલે શિક્ષણમંત્રીને લેખિત માગ કરી છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ T.E.Tની પરીક્ષા પાસ કરીને બેઠેલા 47 હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં છે. જેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે. છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આ બાબત ઘણી દુઃખદ છે. 

તેમણે લખ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19માં 6000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરાઈ હતી. તેની સામે માત્ર 3262 વિદ્યાસહાયકોની ભરતી કરાઈ અને બાકીની ભરતી પછી કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું, જોકે હજુ સુધી તે બાકીના વિદ્યાસહાયકોની પણ ભરતી કરાઈ નથી. 23-10-19એ 3000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરી હતી પરંતુ આજ દિવસ સુધી થઈ નથી, ચાલુ વર્ષે 3900 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી હતી જોકે તે પૈકી ગુજરાતી સિવાયના માધ્યમના 600 વિદ્યાસહાયકોની જ ભરતી કરાઈ હતી, પણ ગુજરાતી માધ્યમના 3300 વિદ્યાસહાયકોની ભરતી આજ દિવસ સુધી કરાઈ નથી.

તેમણે કહ્યું કે બીજી એક બાબત પણ શિક્ષણમંત્રી તમારા ધ્યાને લાવવા માગું છું કે , કેન્દ્ર સરકાર દ્વારા 9-6-21એ પરિપત્ર જાહેર કરી ટેટ પ્રમાણપત્રની વેલિડિટિ આજીવન કરી દેવાઈ છે. જ્યારે ગુજરાતમાં આ વેલિડિટી માત્ર 5 વર્ષની જ છે. સરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં આવતી નથી તેથી અનેક ઉમેદવારો આ વેલિડિટી મર્યાદાના કારણે ભરતીમાં ભાગ લઈ શક્તા નથી અને તેમનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ જાય છે. મંત્રીજી આપને નિવેદન છે કે ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધ્યાને લઈ આ વેલિડિટી આજીવન કરી દેવી જોઈએ.