મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: પેગાસસ જાસૂસી કાંડને લઈને કેન્દ્ર સરકાર આજે ફરી આફતના વાદળો ઘેરાયા છે. તે મામલે સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. ત્યારે પેગાસસ જાસૂસી કાંડના પડઘા ગુજરાતમાં પણ પડયા છે. તેને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પેગાસસ જાસૂસી કાંડ મામલે આજે રાજ્યપાલને આવેદનપત્ર આપતા પહેલા અમિત ચાવડા દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, " સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર ઈઝરાયલની એનએસઓ કંપનીના પેગાસસ સ્પાયવેર દ્વારા જે રીતે ભારતના નામાંકીત લોકોની જાસૂસી કરવામાં આવી છે. ટેલિફોન હેકિંગ દ્વારા એમના જાહેર જીવનની વાતો અને વ્યક્તિગત વાતોની જાસૂસી કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ છે કે આ દેશના લોકોને સ્વતંત્રતાના અને ગોપનીયતાના જે બંધારણીય અધિકારો મળ્યા છે તેનું રીતસર ઉલંઘન કરવામાં થઈ રહ્યું છે. ભારતીય જાસૂસી પાર્ટીના શાસકો જ્યારે ગુજરાતમાં પણ જાસૂસી કરવા માટે ખૂબ નામાંકીત અને જાણીતા રહ્યા છે. 

તેમણે કહ્યું કે, તે જ શાસકો જ્યારે આજે દેશની સત્તા સંભાળે છે ત્યારે ફરી તેમની જૂની નીતિઓ અને જાસૂસી કરવાની ટેવને કારણે આજે દેશના વિપક્ષના કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષના અનેક નામાંકીત નેતાઓ અને શાસક પક્ષના પણ મંત્રીઓ, દેશના નામદાર કોર્ટના જજ, નામાંકીત પત્રકાર, ચૂંટણી પંચ સાથે જોડાયેલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય તેવા અધિકારીઓ, નામાંકીત એનજીઓના સંચાલકો એમ કુલ ૩૦૦ જેટલા મહત્વના લોકોની જાસૂસી કરવામાં આવી."

વધુમાં જણાવતાં કહ્યું કે, "ભારતના બંધારણ મુજબ નાગરિકોને જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે જ્યારે દેશમાં બંધારણ મુજબ અને કાયદાની જોગવાઇ મુજબ જો દેશમાં જાહેર કટોકટી હોય કે જાહેર સલમતીના પ્રશ્નો ઊભા થાય હોય તો ચોક્કસ ભારતીય ટેલીગ્રામ એક્ટની કલમ ૫ મુજબ દેશના લોકોના સંદેશા વ્યવહારના માધ્યમોને અવરોધ કરવાની જોગવાઇ અને સત્તા સરકાર પાસે છે. આજે જે જાસૂસી કાંડ બહાર આવ્યો છે ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છે શું દેશમાં જાહેર કટોકટી છે? દેશની જાહેર સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે? જે લોકોની જાસૂસી કરવામાં આવી છે એ લોકો કોઈ દેશ વિરોધી કૃત્યોમાં સામેલ છે? તે લોકો શું આતંકવાદીઓ છે? કયા કારણોસર આ કલમોની જે જોગવાઈઓ છે તેનું ઉલંઘન કરીને દેશના મહત્વના લોકોની જાસૂસી થઈ રહી છે? અત્યારે થોડા લોકોના નામ બહાર આવ્યા પણ આપણે સૌ ઇતિહાસ જાણીએ છે હાલના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં સત્તા સંભાળતા હતા ત્યારે ગુજરાતમાં પણ વિપક્ષના નેતાઓ, રાજકીય આગેવાનો, સમાજિક આગેવાનો, કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો અને સામાન્ય મહિલાઓ એમની જાસૂસી કરવા માટે પણ તેમણે જાણીતા રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે દેશમાં વણ જાહેર કરેલી કટોકટી ચાલી રહી છે. દેશમાં જેવી રીતે ગોપનીયતાના અને સ્વતંત્રતાના જે અધિકારો છે તેનું સદંતર હનન થઈ રહ્યું છે. આ જાસૂસી કાંડ માટે દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયી તપાસ થાય તે માટે અમે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને તેમના માધ્યમથી રાષ્ટ્પતિ સુધી આ વિનંતી મોકલવાના છે."

આવેદન પત્ર અવાપવા જતા ગણતરીના નેતાઓને જ રાજ્યપાલને મળવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તેનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ગાંધીનગરના રસ્તાઓ ઉપર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જેથી કોંગ્રેસના લોકોને રોકવા માટે ટીંગાટોળી કરીને અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેસાડીને અટકાયત કરવામાં આવી હતી.
(અહેવાલ સહાભારઃ દેવલ જાદવ / જયંત દાફડા, ગાંધીનગર)