રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યસભાની ચૂંટણી આવી એટલે ધારાસભ્યોની ખરીદી થાય. આવી ખરીદી કરનાર સત્તાપક્ષ હોય; વિપક્ષમાં જોડાવા કોઈ તૈયાર ન થાય ! ઊગતા સૂર્યને સૌ પૂજે ! સત્તા તો મધપૂડો છે એટલે માખીઓ ખેંચાઈ જ આવે. પાટલી બદલું ધારાસભ્યો એટલા દોષી નથી જેટલા સત્તાપક્ષના નેતા દોષિત છે. સત્તામાં આવવા માટે તેમણે લોકોને વચન આપ્યું હતું કે કાળા નાણાવાળાને સીધાદોર કરી નાંખીશું ! અમે ભ્રષ્ટાચાર મુક્ત વહિવટ આપીશું ! કાળા નાણાંને નિષ્ક્રિય કરવા માટે નોટબંધી કરી ! પરંતુ બોલવાનું કંઈક જુદું અને કરવાનું કંઈક જુદું ! કથની કરણીમાં ભયંકર વિરોધાભાસ ! અગાઉ દેશનો વહિવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી; હવે કોર્પોરેટ કંપની કરે છે ! આ લોકશાહી નથી; કંપનીશાહી છે !

ધારાસભ્યોની ખરીદી કંઈ સત્યનારાયણની કથા કરવાથી ન થાય. આ ખરીદી ડિજિટલી થઈ હશે? ના, આવી ખરીદી કેશથી જ થાય ! આ કેશ ક્યાંથી આવી? શું આ કાળું નાણું નથી? બિલકુલ શુધ્ધ કાળાનાણાનો ઉપયોગ થાય છે. આ કાળું નાણું સત્તાપક્ષ પાસે આવ્યું કઈ રીતે? આ મુદ્દો સમજવા જેવો છે. કાળા નાણાનો ઢોલ પીટનાર જ કાળા નાણાનો સૌથી વધુ ઉપયોગ કરતા નથી? ધારાસભ્યોનો અંતરાત્મા પણ કેવો વંઠેલો છે? ચૂંટણી આવે ત્યારે એનો આત્મા જાગે? સ્વમાન જાગે? લોકોના કામ નથી થતાં એની ખબર પડે ! આંગળી વાઢી નાંખીશ પણ એ પક્ષને વોટ નહીં આપું; એવી પ્રતિજ્ઞા કરનાર ધારાસભ્ય પોતાના અંતરાત્માનું અપહરણ એ પક્ષનો નેતા આવીને કરી જાય તે માટે ગાંડોતૂર થઈ જાય? 

ગાંધીજીએ 1909 માં ‘હિન્દસ્વરાજ’માં લખ્યું હતું : “સંસદ તો વાંઝણી અને સેક્સવર્કર છે !” શું ગાંધીજીના 111 વર્ષ પહેલાંના  શબ્દો હાલ સાચા નથી લાગતા? કરુણતા એ છે કે લોકોએ ચૂંટેલા ધારાસભ્યો ને કાળાનાણાથી તરબોળ કરીને ખુલ્લેઆમ ખરીદી થઈ રહી હોય ત્યારે મતદારોએ આ ખેલ જોઈને ચૂપ જ બેસી રહેવાનુંને? ગુજરાતના પાટલીબદલું ધારાસભ્યોને ગાંધીજીના શબ્દોથી નવાજી શકાય કે નહિ? આ પાટલી બદલુઓને, બંગડીનું નહીં; ધૂળનું પેકેટ મોકલીને ભાન કરાવવું પડે ! તમે જ કહો; ધારાસભ્યોની ખરીદી ચેકથી થઈ હશે?