જયેશ મેવાડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): લોક્સભા ચૂંટણી જંગ જીતવા માટે ગુજરાતમાં સત્તાધારી ભાજપ દ્વારા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગાંધીનગર બેઠક ઊપરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ કરતો અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા એનસીપી અને અન્ય ગઠબંધન કરવાની વિચારણા ચાલી રહી છે. જેમાં ગોધરામાં શંકરસિંહ વાઘેલા અને પોરબંદરમાં કાંધલ જાડેજાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે કચ્છમાં સમર્થનથી જીગ્નેશ મેવાણી તેમજ મહેસાણામાં વિપુલ ચૌધરી કે આશાબેન ઠાકોરને, તો ભરૂચમાં છોટુભાઈ વસાવાને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.

ગુજરાતમાં લોકસભાના ચૂંટણી જંગની જાહેરાત પહેલાથી જ નબળા વિસ્તારોમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોને તોડી લાવવાની અપનાવેલી રણનીતિથી કોંગ્રેસ હજુ આઘાતમાં છે. જો કે, ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરનાર કોંગ્રેસને રાહુલ અને પ્રિયંકાની જંગી રેલીએ ટોનિક પૂરું પાડ્યું હોવા છતાં ઉમેદવારોની પસંદગી અંગે અવઢવમાં છે. જેમાં પાટણ માટે નારાજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ મોવડીમંડળે તેમને સમજાવવા પડે તેવું લાગી રહ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સ્થાનિક ધારાસભ્ય સોમાભાઈ પટેલે અગાઉ ભાજપમાં જવાની અટકળો વચ્ચે ટિકિટ માંગતા કોંગ્રેસની નેતાગીરી ભીંસમાં મુકાઈ છે.

મહારાષ્ટ્રમાં થયેલા ગઠબંધનના પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસે એનસીપી સાથે જોડાણ કરવું પડે તેવી સ્થિતિ છે. જેમાં કોંગ્રેસ છોડ્યાના એક વર્ષે એસીપીમાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગોધરા તેમજ કાંધલ જાડેજાને પોરબંદરમાંથી મેદાનમાં ઉતારવાની કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત કચ્છની એસસી અનામત બેઠકમાં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારો સાથે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી લડાવવાની વિચારના ચાલી રહી છે.

તો શંકરસિંહ વાઘેલા દ્વારા ઊંઝા અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ વિપુલ ચૌધરી કે દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરને મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવવા કવાયત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરૂચમાં ભાજપના ગઢને તોડવા માટે જનતા દળ (યુ) છોડીને પોતાનો પક્ષ સ્થાપનાર છોટુભાઈ વસાવાને વિપક્ષના સર્વસંમત ઉમેદવાર બનાવવા રણનીતિ ઘડવામાં આવી રહી છે.