મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાની મદદ કરનારા 5 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસને ફરી ચૂંટણીમાં પોતાની રાજકીય અણઆવડતનો પરચો મળ્યો છે અને ભાજપને પોતાની રાજકીય રમતમાં સફળતા મળી છે. જોકે આ સફળતા તો રાજ્યસભાની ચૂંટણીમાં જ મળી ગઈ હતી પણ હવે ભાજપને પોતાનો તે વખતનો વાયદો પુરો કરવાનો સમય હતો.

આ ધારાસભ્યોમાં કપરાડાના જીતુ ચૌધરી, મોરબીના બ્રિજેશ મેરજા, કરજણના અક્ષય પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જેવી કાકડિયાનો સમાવેશ થાય છે જેમને ભાજપના પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી ભાજપમાં શામેલ કર્યા છે. હવે ભાજપમાં પણ આંતરિક વિખવાદ કે રાજી-નારાજગી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને તેમની જ સીટ પર ફરી થનારી પેટા ચૂંટણીમાં ટિકીટ આપવાનો પણ વાયદો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે આ જ સીટ પર અગાઉ લડી ચુકેલા અને લડવા માગતા ઘણા નેતાઓના સીધા જ પત્તા કપાઈ જશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

જીતુ વાઘાણીએ આ સમયનો લાહ્વો લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવાનું તેઓ ચુક્યા ન હતા. તેમણે કોંગ્રેસા નેતૃત્વની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને ટુકડે-ટુકડે ગેંગ સાથે સંબોધીને ક્યું કે, આવી ગેંગના કારણે ગુજરાતમાં કોંગ્રેસના ટુકડા થઈ રહ્યા છે. કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદ-વિખવાદ ઘણો વધી ગયો છે. હવે તે બહાર આવવા લાગ્યો છે. જેને કારણે અમુદ ધારાસભ્યો નારાજ થઈને પક્ષ છોડી રહ્યા છે અને હવે કોંગ્રેસે ગુજરાતમાં દુકાન બંધ કરી દેવી જોઈએ. કોંગ્રેસમાં હવે આવડત અને નેતૃત્વનો અભાવ છે.
 
જોકે ટિકીટ આપવા મામલે જીતુ વાઘાણીએ કહ્યું કે, એક પણ ધારસભ્ય શરતો સાથે જોડાયા નથી. અમે બધાને આવકારીએ છીએ. ટિકીટ અંગે પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે.